બંગલાદેશની કોર્ટે ભૂતપૂર્વ વડાં પ્રધાનને ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં ૭-૭ વર્ષની જેલ ફટકારી, દીકરા-દીકરીને પણ પાંચ-પાંચ વર્ષની સજા
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના
માનવતાવિરોધી અપરાધોમાં બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને બંગલાદેશની ઇન્ટરનૅશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT)એ મોતની સજા સંભળાવ્યે વધુ સમય નથી થયો. એવામાં બંગલાદેશની રાજધાની ઢાકાની એક કોર્ટે તેમની વિરુદ્ધ હજી એક વધુ મોટો ફેંસલો આપ્યો છે. સરકારી પ્લૉટના વિતરણમાં શેખ હસીના અને તેમના પરિવારના સભ્યો પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ માટે છ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. આમાંથી ૩ કેસમાં કોર્ટે શેખ હસીનાને ભ્રષ્ટાચારમાં દોષી ગણીને દરેક માટે ૭ વર્ષની જેલની સજા સંભળાવી હતી. એને કારણે તેમને કુલ ૨૧ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં તેમના દીકરા સજીબ વાજેદ જૉયને પાંચ વર્ષની કેદ અને એક લાખ ટાકાનો દંડ થયો છે અને દીકરીને પાંચ વર્ષની જેલની સજા થઈ છે.
હજી છમાંથી ૩ જ કેસમાં ચુકાદો આવ્યો છે જેમાં તેમને દોષી ગણવામાં આવ્યાં છે. બાકીના ૩ કેસનો ચુકાદો પહેલી ડિસેમ્બરે આવશે.


