પાકિસ્તાનના દબાણ હેઠળ UNSCના નિવેદનમાંથી TRFનું નામ હટાવાયું
યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ
યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ (UNSC)ના તાજેતરના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની બે વાર જવાબદારી લીધી હતી. TRFએ હુમલા પછી તરત જ ઘટનાસ્થળની તસવીર પણ જાહેર કરી હતી. આ હુમલામાં ૨૬ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે પાકિસ્તાનના દબાણ બાદ આ સંગઠનનું નામ હટાવવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના દબાણ હેઠળ UNSCના નિવેદનમાંથી TRFનું નામ દૂર કરવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો પાંચ આતંકવાદીઓએ કર્યો હતો. UN રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબા (LeT)ના સહયોગ વિના આ હુમલો શક્ય નહોતો.
ADVERTISEMENT
આ રિપોર્ટમાં એક સભ્ય દેશને ટાંકીને કહેવામાં આવ્યું છે કે TRF અને LeT વચ્ચે ગાઢ સંબંધો છે, જ્યારે કેટલાક દેશોએ દાવો કર્યો છે કે TRF લશ્કરનું બીજું નામ છે. અમેરિકાએ આ મહિને TRFને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. હુમલા પછી UNSCએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ગુનેગારોને સજા મળવી જોઈએ.

