ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાન દરમ્યાન પોતાના પ્રમુખ બન્યાના ૨૪ કલાકની અંદર યુદ્ધ સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજી સુધી આ મામલે કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિપદે શપથ લીધા બાદ ડોનલ્ડ ટ્રમ્પના નિર્ણયોથી એવું લાગી રહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થઈ જશે. એને લઈને ટ્રમ્પે બન્ને દેશોના રાષ્ટ્રપતિ સાથે વાત પણ કરી હતી. જોકે હવે અમેરિકા પોતાની વાતથી પીછેહઠ કરતું નજરે પડી રહ્યું છે. પૅરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત બાદ અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ કહ્યું હતું કે ‘જો બન્ને દેશ વચ્ચે યુદ્ધને લઈને કરાર નહીં થાય તો અમે પીછેહઠ કરીશું. અમે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસને મહિનાઓ સુધી ચાલુ નહીં રાખીએ. આપણે જલદી નિર્ણય લેવાની જરૂર છે. જો આવનારાં અમુક અઠવાડિયાંમાં આ સંભવ નહીં થાય તો અમે અમારી અન્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન આપીશું. ડોનલ્ડ ટ્રમ્પને લાગે છે કે શાંતિકરાર પર અત્યાર સુધી ઘણો સમય અને ખર્ચ કરવામાં આવ્યો છે. આ કરાર મહત્ત્વપૂર્ણ છે, પરંતુ અનેક અન્ય મહત્ત્વપૂર્ણ વસ્તુઓ પણ છે જેના પર આટલી અથવા આનાથી વધારે ધ્યાન આપવાની જરૂર છે.’
ટ્રમ્પ હજી પણ આ કરારમાં રુચિ ધરાવે છે, પરંતુ એમાં કોઈ સફળતા મળી રહી નથી એટલે તેઓ પીછેહઠ કરવા તૈયાર છે. નોંધનીય છે કે ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાન દરમ્યાન પોતાના પ્રમુખ બન્યાના ૨૪ કલાકની અંદર યુદ્ધ સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજી સુધી આ મામલે કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. અનેક પડકારો વધતાં તેમણે એપ્રિલથી મે સુધીમાં આ યુદ્ધમાં શાંતિકરાર કરવાની ભલામણ કરી હતી.

