કોર્ટ ઑફ ઇન્ટરનૅશનલ ટ્રેડે જણાવ્યું હતું કે અમેરિકન બંધારણ કૉન્ગ્રેસને અન્ય દેશો સાથે વાણિજ્યનું નિયમન કરવાનો વિશિષ્ટ અધિકાર આપે છે.
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓને અમેરિકન ટ્રેડ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન ટ્રેડ કોર્ટે બુધવારે એક ચુકાદામાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને ટૅરિફ અમલમાં મૂકતાં અટકાવ્યા હતા. કોર્ટે ટ્રમ્પની વ્યાપક ટૅરિફનીતિને ગેરકાયદે ગણાવી રોક મૂકી છે તેમ જ ટ્રમ્પે ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી પાવર્સ ઍક્ટનો દુરુપયોગ કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહીને ઝાટકણી કાઢી હતી.
કોર્ટ ઑફ ઇન્ટરનૅશનલ ટ્રેડે જણાવ્યું હતું કે અમેરિકન બંધારણ કૉન્ગ્રેસને અન્ય દેશો સાથે વાણિજ્યનું નિયમન કરવાનો વિશિષ્ટ અધિકાર આપે છે. ત્રણ ન્યાયાધીશોની પૅનલે જાન્યુઆરીથી ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા બ્લેન્કેટ ટૅરિફ ઑર્ડર પર કાયમી મનાઈ હુકમ જાહેર કરવાના નિર્ણયમાં જણાવ્યું હતું કે ફેડરલ કાયદો તેમને મંજૂરી આપતો નથી. જજોએ ટ્રમ્પ વહીવટી તંત્રને ૧૦ દિવસની અંદર કાયમી મનાઈ હુકમ પ્રતિબિંબિત કરતા નવા આદેશો જાહેર કરવાનો પણ આદેશ આપ્યો છે. ટ્રમ્પ વહીવટી તંત્રએ થોડી વાર પછી અપીલની નોટિસ
દાખલ કરી અને કોર્ટની સત્તા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
- અમેરિકન ટ્રેડ કોર્ટના ચુકાદાનું સ્વાગત : ટ્રમ્પે વિદેશી દેશોના માલ પર અમેરિકન આયાતકારો પાસેથી ટૅરિફ-વસૂલીને વૈશ્વિક વેપારપ્રવાહને ગંભીર રીતે વિક્ષેપિત કર્યો છે. નાણાકીય બજારોએ આ ચુકાદાને વધાવ્યો છે. કોર્ટના આદેશ બાદ અમેરિકન ડૉલર, યુરો, યેન અને સ્વિસ ફ્રૅન્ક જેવાં ચલણોમાં તેજી આવી છે.
- સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને ઑટો પર ટૅરિફ યથાવત્ : અમેરરિકન ટ્રેડ કોર્ટે સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને ઑટો પર લાગુ ટૅરિફ પર કોઈ પ્રકારનો સ્ટે મૂક્યો નથી. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને ઑટોમોબાઇલ પર પણ પચીસ ટકા ટૅરિફ લાદી છે. આ ત્રણેય ટૅરિફ અમેરિકા સાથે વેપાર કરનારા તમામ દેશ પર લાગુ છે.
- હવે રેસિપ્રોકલ ટૅરિફનું શું થશે? : ટ્રમ્પે અમેરિકાની વેપાર-ખાધમાં ઘટાડો કરવા રેસિપ્રોકલ ટૅરિફ લાગુ કરી હતી. જોકે અમેરિકન ટ્રેડ કોર્ટે એના પર રોક મૂકી દીધી છે. અમેરિકાના બંધારણમાં ટૅરિફ મુદ્દે નિર્ણય લેવાની સત્તા કૉન્ગ્રેસ અર્થાત્ સંસદની છે. તમામ સંસદસભ્યની સહમતી સાથે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. ટ્રમ્પે ઇમર્જન્સી પાવરનો ઉપયોગ કરીને ટૅરિફ લાદી હતી જે તેમના અધિકારક્ષેત્રની બહાર હતી.
- કોર્ટના ચુકાદાને પડકાર્યો : ટ્રમ્પ સરકારે કોર્ટના આ ચુકાદાને પડકાર્યો છે. ટૅરિફ મુદ્દે સરકારે તર્ક આપ્યો હતો કે ૧૯૭૦માં રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સને પણ પોતાના ઇમર્જન્સી પાવરનો ઉપયોગ કરીને ટૅરિફ લાદી હતી. ટ્રમ્પ સરકાર આ ચુકાદાને ફેડરલ કોર્ટમાં પડકારી રહી છે. જો ફેડરલ કોર્ટે પણ એની વિરુદ્ધમાં નિર્દેશ આપ્યો તો એ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે.
ભારત પર શું થશે અસર?
ટ્રમ્પની રેસિપ્રોકલ ટૅરિફથી એનો મિત્ર દેશ ભારત પણ બાકાત નથી. ભારત પર એણે ૨૬ ટકા ટૅરિફ લાદી છે. જોકે એના અમલમાં ૯૦ દિવસની રાહત આપી છે. આ સિવાય ૧૦ ટકાની બેઝ-ટૅરિફ તો લાગુ છે. ભારત અને અમેરિકા વચ્ચે ટૅરિફ મુદ્દે વેપાર-મંત્રણા થઈ રહી છે. બન્ને દેશો પોતાના દ્વિપક્ષીય વેપાર-સંબંધોને ગાઢ બનાવવા તેમ જ ટૅરિફનો બોજો દૂર કરવા ચર્ચાવિચારણા કરી રહ્યા છે. જોકે કોર્ટના આ નિર્ણયથી બન્ને દેશોના સમાધાનકારી વલણ પર અસર થઈ શકે છે. ભારત પોતાની અમુક રાહતોને દૂર કરી શકે છે.
ઈલૉન મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડ્યો
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ઈલૉન મસ્કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પથી અલગ થવાની જાહેરાત કરી છે. તેમણે બુધવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તાજેતરમાં ઈલૉન મસ્કે ડોનલ્ડ ટ્રમ્પના બિગ બ્યુટિફુલ ટૅક્સ બિલની ખુલ્લેઆમ ટીકા કરી હતી. ત્યાર બાદ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે મતભેદોના અહેવાલો આવ્યા હતા.
ઈલૉન મસ્કે સરકારી કાર્યક્ષમતા વધારવાના વિભાગ ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ અેફિશ્યન્સી (DOGE)ના વડાપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે ‘ઍક્સ’ પર લખ્યું હતું કે ‘ખાસ સરકારી કર્મચારી તરીકેનો મારો નિર્ધારિત સમય પૂરો થઈ રહ્યો છે. હું નકામા ખર્ચ ઘટાડવાની તક માટે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનો આભાર માનવા માગું છું. DOGE મિશન સમય જતાં વધુ મજબૂત બનશે, કારણ કે એ સરકાર ચલાવવાનો એક માર્ગ બનશે.’
રાષ્ટ્રપતિના ચૂંટણીપ્રચાર દરમ્યાન બન્ને વચ્ચે સારા સંબંધો હતા અને મસ્કે ટ્રમ્પ વહીવટી તંત્રમાં વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કર્યું છે. મસ્કે ટ્રમ્પની ઉમેદવારીને ટેકો આપવા માટે ૨૫૦ મિલ્યન ડૉલરનું યોગદાન આપ્યું હતું.

