યુવતી અને તેના પરિવારના ત્રણ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી
પ્રતીકાત્મક તસવીર
નાંદેડના પોલીસ-કમિશનરની ઑફિસમાં કાર્યરત અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (API)ને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ૨.૭૦ લાખ રૂપિયા પડાવી લેનારી એક યુવતી અને તેના પરિવારના ત્રણ લોકો સામે કાંદિવલી-ઈસ્ટની સમતાનગર પોલીસે બુધવારે ફરિયાદ નોંધી હતી. API ૨૦૨૦-’૨૨ દરમ્યાન સમતાનગર પોલીસ-સ્ટેશનમાં કાર્યરત હતો ત્યારે તેની ઓળખાણ યુવતી સાથે થઈ હતી. એ પછી બન્ને વચ્ચે મિત્રતા વધતાં સંબંધો બન્યા હતા. એનો વિડિયો લઈને યુવતીએ બે વર્ષ સુધી તેને ધમકાવીને પૈસા પડાવ્યા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
યુવતી અને તેના પરિવારે APIને ધમકાવીને પૈસા પડાવ્યા હોવાનો હાલમાં ખુલાસો થયો હતો જેની પ્રાથમિક માહિતીના આધારે અમે ફરિયાદ નોંધી છે એમ જણાવતાં સમતાનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૪માં મહિલાએ API સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હાલમાં ચાલુ છે. જોકે APIને ધમકાવીને મહિલાએ પૈસા પડાવ્યા હોવાનો ખુલાસો હમણાં થયો હતો. એના કેટલાક પુરાવા પણ મળી આવ્યા હતા જેના આધારે અમે ફરિયાદ નોંધી છે.’

