ચિંચપોકળીચા ચિંતામણિના આગમન વખતે
ચિંચપોકળીચા ચિંતામણિનું આગમન
રવિવારે સવારે ચિંચપોકળીચા ચિંતામણિનું આગમન જોવા પહોંચેલા ૩૨ નાગરિકોની ચેઇન અને ચાર મહિલાના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદ કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી બાપ્પાના આગમન સમયે ચોરોની ટોળકીઓ સક્રિય થતી હોય છે. એને અટકાવવા માટે પોલીસ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે રવિવારે ચોરો પોતાનું કામ કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ પોલીસે ૬ આરોપીને તાબામાં લીધા હતા. તેમની પાસેથી ચોરી થયેલા અમુક મોબાઇલો જપ્ત કરવામાં આવ્યા છે.
કાલાચૌકી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજયકુમાર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાલાચૌકી વિસ્તારમાં ગણપતિ મૂર્તિનાં મોટાં કારખાનાં હોવાને કારણે ગણેશોત્સવ સમયે મોટાં ગણપતિ મંડળો અહીંથી બાપ્પાનું આગમન કરતાં હોય છે. છેલ્લાં ત્રણથી ચાર વર્ષથી અમુક ચોરોની ટોળીઓ બાપ્પાના આગમન સમયે સક્રિય થઈને ચોરીને અંજામ આપતી હોય છે. ગયા વર્ષે ચિંચપોકળીચા ચિંતામણિના આગમનમાં ૪૦થી વધારે લોકોના મોબાઇલ અને ૮ મહિલાના દાગીના ચોરી થયા હતા. એની સામે આ વર્ષે ચોરીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જોવા મળ્યું છે. ચોરીના હૉટ-સ્પૉટ નક્કી કરીને એના પર સતત નજર રાખવામાં આવી હતી. ઉપરાંત અમુક રેકૉર્ડ પરના આરોપી પર પણ વૉચ રાખવામાં આવી હતી. રવિવાર સાંજ સુધીમાં ૩૨ મોબાઇલ અને ૪ મહિલાના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદ અમે નોંધી હતી. આ કેસમાં અમે અત્યાર સુધીમાં ૬ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી આઠ મોબાઇલ રિકવર કર્યા છે.’

