અંધેરી અને જોગેશ્વરી વચ્ચે થયેલા આ ભયંકર અકસ્માત પછી પણ યુવક સ્વસ્થતાથી મોબાઇલ જોતો જોવા મળ્યો
અહીંથી યુવકનો હાથ છૂટો પડી ગયો.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે સવારના ૯.૨૫ વાગ્યે જોગેશ્વરીની મહાકાલી કેવ્સથી અંધેરી તરફ જઈ રહેલી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની ૩૩૩ નંબરની બસ નેલ્કો સિગ્નલ પાસે પહોંચી ત્યારે સર્વિસ રોડ પરથી અચાનક ૩૫ વર્ષનો ઇસ્માઇલ સુરતવાલા નામનો યુવક ટૂ-વ્હીલર પર મેઇન રોડ પર આવ્યો હતો. ટૂ-વ્હીલર બસની પાછળના ભાગમાં અથડાયા બાદ યુવક બસની નીચે આવી ગયો હતો અને તેના હાથ પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું. આથી ઇસ્માઇલ સુરતવાલાનો ડાબો હાથ તેના શરીરથી અલગ થઈ ગયો હતો. જોકે સદ્નસીબે ઇસ્માઇલ બસના ટાયરથી સહેજ દૂર પડ્યો હતો એટલે બચી ગયો હતો. અકસ્માત બાદ ઇસ્માઇલ સુરતવાલા રસ્તાની ફુટપાથ પર લોહીલુહાણ અને હાથ છૂટો પડેલી હાલતમાં બેસેલો હોય એવો વિડિયો અને ફોટો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
BESTના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇસ્માઇલ સુરતાવાલાને અંધેરીની એક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. શરીરથી છૂટા પડી ગયેલા હાથને જોડવા માટેની સર્જરી કરવામાં આવશે. ઇસ્માઇલ મોહમ્મદ અલી રોડમાં રહેતો હોવાની માહિતી મળ્યા બાદ તેના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.’

