૨૬/૧૧ના હીરો ડૉ. સદાનંદ દાતે ૩ જાન્યુઆરીથી ચાર્જ સંભાળશે
IPS ઑફિસર સદાનંદ દાતે.
૫૯ વર્ષના ડૉ. સદાનંદ દાતેની મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) પદે નિમણૂક કરવામાં આવી છે. DGP રશ્મિ શુક્લાની નિવૃત્તિ બાદ સદાનંદ દાતે ૩ જાન્યુઆરીથી કાર્યભાર સંભાળશે.
બાળપણમાં અખબારો વેચવાથી લઈને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના ડિરેક્ટર જનરલના પદ સુધી પહોંચેલા સદાનંદ દાતે હવે મહારાષ્ટ્ર પોલીસ ફોર્સનું નેતૃત્વ કરશે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે સદાનંદ દાતેને DGP તરીકે નિયુક્ત કર્યા છે. સદાનંદ દાતે ડિસેમ્બર ૨૦૨૬માં નિવૃત્ત થવાના છે. એમ છતાં પોલીસ વડાની નિયુક્તિ બે વર્ષ માટે થવી જોઈએ એવા સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આધારે સદાનંદ દાતેને બે વર્ષ એટલે કે ૨૦૨૭ની ૩૧ ડિસેમ્બર સુધીનો કાર્યકાળ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટમાં સદાનંદ દાતે પ્રામાણિક અને કડક ઑફિસરની ઓળખ ધરાવે છે. NIAમાં જોડાતાં પહેલાં તેઓ મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)ના વડા હતા. તેઓ મીરા-ભાઈંદર વસઈ-વિરારના પોલીસ-કમિશનર, લૉ ઍન્ડ ઑર્ડર વિભાગના જૉઇન્ટ કમિશનર અને મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચના જૉઇન્ટ કમિશનર પદે પણ હતા. તેમણે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં
ઇન્સ્પેક્ટર-જનરલ તરીકે ફરજ બજાવી છે.
સદાનંદ દાતેને ૨૦૦૮ના ૨૬/૧૧ના હુમલા વખતે કરેલી કામગીરી બદલ શૌર્યચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. એ વખતે સદાનંદ દાતે ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (સેન્ટ્રલ રીજન) હતા. લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓ અજમલ કસબ અને અબુ ઇસ્માઇલને કામા ઍન્ડ આલ્બલેસ હૉસ્પિટલની છત પર ઘેરી લેનારી ટીમનું તેઓ નેતૃત્વ કરી રહ્યા હતા. ગ્રેનેડની કરચોથી ખૂબ ઘવાયા હોવા છતાં તેમણે ટેરરિસ્ટોનો સામનો કરવાનું ચાલુ રાખ્યું હતું. આજે પણ સદાનંદ દાતેના શરીરમાં મેટલની એ કરચો છે, ખાસ કરીને તેમની આંખ પાસે. સદાનંદ દાતે એને ઇન્જરી તરીકે નહીં પણ યુદ્ધના મેદાનમાં મળેલા ‘મેડલ’ તરીકે ઓળખાવે છે.


