ઝાડની સુકાયેલી ડાળખી માથા પર પડી એને પગલે ઘાટકોપરનાં મીનાક્ષી શાહે જીવ ગુમાવ્યો : તેમની સાથે ગાર્ડનમાં વૉક કરતાં વંદના શાહને પણ માથામાં ઈજા થઈ હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં
મીનાક્ષી શાહ
ઘાટકોપર-ઈસ્ટની લૅવેન્ડર બાઓ હોટેલ પાસે આવેલા ગારોડિયા નગર વેલ્ફેર અસોસિએશનના ગાર્ડનમાં રોજ વૉક કરવા જતાં ૬૦ વર્ષનાં મીનાક્ષી શાહ ગઈ કાલે સાંજે પણ ચાલવા તો ગયાં હતાં, પણ પાછાં ઘરે નહોતાં આવી શક્યાં. વૉક કરતી વખતે સુકાયેલા ઝાડની ડાળખી માથા પર પડતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની સાથે વૉક કરી રહેલાં તેમનાં મિત્ર વંદના શાહને પણ માથામાં ઈજા થઈ હતી અને તેમને ૨૦ ટાંકા આવ્યા હતા.
ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેન એક્સ્ટેન્શનમાં રહેતાં મીનાક્ષીબહેન પર ઝાડ પડવાની આ ઘટના બદલ માહિતી આપતાં મીનાક્ષીબહેનના જમાઈ ભાવેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં સાસુ રોજની માફક સાંજે ૫.૩૦ વાગ્યે વૉક કરવા નીકળ્યાં હતાં. હું તો ઑફિસે હતો, પણ મારા વૉકિંગ-ગ્રુપમાંથી મને ૬ વાગ્યે ફોન આવ્યો કે તમારાં સાસુ પર ઝાડની ડાળખી પડી છે અને તેઓ કોઈ રિસ્પૉન્સ નથી આપતાં. મેં તરત મારા સસરાને અને અન્યોને જાણ કરી દીધી અને તેઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યા ગંભીર ઈજાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.’
ADVERTISEMENT
રાજાવાડી હૉસ્પિટલના ડૉક્ટર સુનીલ ઈનામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાજુના કમ્પાઉન્ડમાં સુકાઈ ગયેલા ઝાડની ડાળખી વૉક કરી રહેલી મહિલાઓ પર પડી હોવાનું અમને જણાવાયું હતું અને એમાંનાં મીનાક્ષી કીર્તિ શાહનું મૃત્યુ થયું છે. તેમની સાથેનાં વંદના શાહ પણ ગંભીર રીતે ઘવાયાં છે. તેમને માથામાં ૨૦ ટાંકા આવ્યા છે. અમે તેમનું CT સ્કૅન કર્યું છે, પણ એનો રિપોર્ટ આવતાં થોડો ટાઇમ લાગશે. તેમનાં બીજાં ઑર્ગન્સ સ્ટેબલ છે એથી આશા રાખીએ કે તેમની ઈજા ગંભીર ન હોય. જોકે એમ છતાં CT સ્કૅનનો રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કંઈ કહી શકાય. શક્ય છે પરિવાર તેમને અન્ય હૉસ્પિટલમાં શિફ્ટ કરે.’