કામદારોનો પગાર કરવા દાગીના ગિરવી મૂકીને ઉપાડેલા પૈસા લૂંટારાઓ આંખમાં મરચું નાખીને લૂંટી ગયા
અનિકેતના હાથમાં થયેલી ઈજા.
થાણેના ઘોડબંદર રોડ પર પોખરણ વિસ્તારમાં રવિવારે બપોરે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા ૩૩ વર્ષના વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો હતો. અનિકેત શેલાર નામના વેપારીની આંખમાં બે લોકોએ મરચાંનો પાઉડર નાખીને તેના શરીર પર બ્લેડથી હુમલો કર્યો હતો. હુમલાખોરો વેપારી પાસે રહેલી અઢી લાખ રૂપિયાની રોકડ લૂંટીને ભાગી ગયા હતા
આ મામલે ચિતલસર પોલીસે બે લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ગંભીર રીતે જખમી થયેલા અનિકેતનો અત્યારે ખાનગી હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
લૂંટવાના ઇરાદે કરવામાં આવેલા આ હુમલામાં અનિકેતના પેટમાં અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે, જેમાં તેને દસથી વધારે ટાંકા આવ્યા છે એમ જણાવતાં અનિકેતના મામા સુભાષ શેલારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનિકેત કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેનું થાણે અને મુલુંડમાં કામ ચાલે છે. આ દરમ્યાન રવિવારે બપોરે માણસોનો પગાર આપવા માટે તેણે એક જ્વેલર પાસે પોતાના ૭ તોલાના દાગીના ગિરવી રાખીને અઢી લાખ રૂપિયાની રોકડ લીધી હતી. એ રકમ પોતાની સાથે લઈને પોખરણ રોડ પર ચાલતું કન્સ્ટ્રક્શન સાઇટનું કામકાજ જોવા માટે તે આવ્યો હતો. અઢી વાગ્યાની આસપાસ રોડ પર પોતાની બાઇક પાર્ક કરીને તે આગળ વધી રહ્યો હતો ત્યારે લૂંટની ઘટના બની હતી. ત્યાર બાદ ભેગા થયેલા લોકોએ તેને નજીકની હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડ્યો હતો.’
ADVERTISEMENT
આ કામ કોઈ જાણભેદુનું હોઈ શકે : પોલીસ
ચિતલસર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ વરુડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે લૂંટનો ગુનો રજિસ્ટર કરીને વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં મળી આવેલી માહિતી અનુસાર આ કામ કોઈ જાણભેદુનું હોય એવી અમને શંકા છે. નજીકના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાના ફુટેજમાંથી આરોપીની ઓળખ કરી લીધી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

