BJPના પ્રવક્તાના સાયનમાં ચાલતા ક્લાસિસમાં ગઈ કાલે પહેલા દિવસે ૩૦ જણે ક્લાસ અટેન્ડ કર્યા
ક્લાસમાં મરાઠીનું લેસન લઈ રહેલા સ્ટુડન્ટ્સ.
એક બાજુ મુંબઈમાં મરાઠી ન બોલવા બાબતે બિનમરાઠીઓ પર હુમલા થઈ રહ્યા છે ત્યારે હિન્દીના એક ઉત્તર ભારતીય પ્રોફેસર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા ડૉ. દયાનંદ તિવારીએ મરાઠી શીખવવાના ક્લાસ ચાલુ કર્યા છે અને એ પણ ફ્રીમાં. એમાં કોઈ પણ જઈને મરાઠી શીખી શકે છે. કોઈ એજ-લિમિટ પણ નથી. મૂળાક્ષરના જ્ઞાનથી લઈને બોલતાં આવડી જાય એવું મરાઠી આ ક્લાસમાં શીખવવામાં આવશે. ગઈ કાલથી આ ક્લાસ ચાલુ પણ થઈ ગયા છે. સાયનમાં ચાલતા ડૉ. દયાનંદ તિવારીના તિવારી સરસ્વતી ક્લાસિસમાં ગઈ કાલે પહેલા દિવસે ૩૦ જેટલા લોકોએ એનો લાભ લીધો હતો.
ડૉ. દયાનંદ તિવારીએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહલગામમાં ધર્મ પૂછીને ગોળીએ દેવાયા, અહીં ભાષા પૂછીને મારઝૂડ કરાઈ; બન્ને ઘટનામાં બહુ સામ્ય છે. મરાઠી ભાષા સારી જ છે અને એને અભિજાત ભાષાનો દરજ્જો પણ મળ્યો છે. મરાઠીનો વારસો બહુ મોટો છે. મરાઠી ભાષા શીખવી એ કંઈ ખોટું નથી, પણ એ માટે જે જબરદસ્તી કરવામાં આવે છે એ ખોટું છે. મારી પાસે સગવડ છે, હું વર્ષોથી ક્લાસ ચલાવું છું. હું પોતે મરાઠી બોલું છું, પણ એકદમ કડકડાટ નથી બોલી શકતો. મારી પાસે મરાઠી શીખવી શકે એવા શિક્ષકો છે. એથી મેં જે લોકો મરાઠી શીખવા માગતા હોય તેમને માટે આ સુવિધા ઊભી કરી છે. મારા સાયન અને સાંતાક્રુઝ બન્ને જગ્યાએ ક્લાસ ચાલે છે. દરેક ક્લાસમાં ૬૦-૭૦ જણ બેસી શકે. મને ઑનલાઇન ક્લાસ લેવાના પણ સૂચન મળી રહ્યાં છે જે હવે પછી ચાલુ કરીશ.’
ADVERTISEMENT
મરાઠીના મુદ્દે આટલો ઊહાપોહ થયો, પણ હિન્દીનો વિરોધ થયો ત્યારે હિન્દીના એક પણ સાહિત્યકારે એનો વિરોધ ન કર્યો એ બાબતે રંજ હોવાનું જણાવતાં ડૉ. દયાનંદ તિવારીએ વધુમાં કહ્યું હતું કે ‘જ્યારે હિન્દી ભાષાનો વિરોધ કરાયો ત્યારે હિન્દીના એક પણ સાહિત્યકારે એની સામે વિરોધ ન નોંધાવ્યો એનું દુ:ખ છે. કેટલાય સાહિત્યકારોએ હિન્દીના ૧ લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીના પુરસ્કાર મેળવ્યા છે, એમાંથી એક પણ જણે એનો બચાવ ન કર્યો. બીજું, હિન્દી ફિલ્મો બનાવતા બૉલીવુડમાંથી પણ કોઈ વિરોધ ન થયો. હું પોતે એેક લેખક, પ્રોફેસર અને રાજકારણી છું. મહારાષ્ટ્રમાં રહેતા અન્ય રાજ્યોના લોકો મરાઠી શીખે એમાં કશું જ ખોટું નથી. કોઈ પણ ભાષા શીખવી એ ફાયદાકારક જ છે, પણ એની જબરદસ્તી ન કરી શકાય.’

