Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCનું ૭૪,૪૨૭ કરોડ રૂપિયાનું બજેટ

BMCનું ૭૪,૪૨૭ કરોડ રૂપિયાનું બજેટ

Published : 05 February, 2025 02:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, પર્યટન અને પ્રદૂષણને પ્રાથમિકતા આપતું BMCનું ૭૪,૪૨૭ કરોડ રૂપિયાનું બજેટ, ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ નવા ટૅક્સ નાખવામાં ન આવ્યા : ગયા વર્ષના ૬૫,૧૮૦ કરોડ રૂપિયાની સરખામણીમાં અંદાજપત્રમાં કરવામાં આવ્યો ૧૪.૧૯ ટકાનો વધારો

ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેડક્વાેર્ટરમાં ઍડ્‍મિનિસ્ટ્રેટર-કમ-કમિશનર ભૂષણ ગગરાણીએ બજેટ રજૂ કર્યું હતું. તસવીર ઃ સૈયદ સમીર અબેદી

ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેડક્વાેર્ટરમાં ઍડ્‍મિનિસ્ટ્રેટર-કમ-કમિશનર ભૂષણ ગગરાણીએ બજેટ રજૂ કર્યું હતું. તસવીર ઃ સૈયદ સમીર અબેદી


એશિયાની સૌથી શ્રીમંત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું ગઈ કાલે ૭૪,૪૨૭ કરોડ રૂપિયાનું મસમોટું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોઈ નવો ટૅક્સ નાખ્યા વિનાના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, પર્યટન અને પ્રદૂષણને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગયા વર્ષે ૬૫,૧૮૦ કરોડ રૂપિયાનું બજેટ હતું, જેમાં આ વર્ષે ૧૪.૧૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. BMCની ચૂંટણી આ વર્ષે પણ નથી થઈ એટલે સતત ત્રીજા વર્ષે ઍડ્મિનિસ્ટ્રેટર કમ કમિશનર ભૂષણ ગગરાણ‌ીએ બજેટની જાહેરાત કરી હતી.


વર્ષ ૨૦૨૫-’૨૬ના બજેટમાં શહેરના રોડ, ફ્લાયઓવર ‌સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૫૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 



શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે ૩૩૨૧.૫૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. BMCએ આ કામને મિશન સંપૂર્ણ નામ આપ્યું છે જેમાં સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રકચર, ઍડ્મિશન, મેરિટ, પ્રોડક્ટિવિટી, રિસ્પૉન્સિબિલિટી, ન્યુટ્રિશન અને હેલ્થ વગેરેનું ડેવેલપમેન્ટ કરવામાં આવશે. 


મુંબઈના વાતાવરણમાં સુધારો કરવા માટે ૧૧૩.૧૮ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પર્યટકોને આકર્ષવા માટે રાણીબાગમાં જિરાફ, ઝેબ્રા, સફેદ સિંહ અને જૅગ્વાર વગેરે વિદેશી પ્રાણીઓને લાવવામાં આવશે અને એ માટેની તૈયારી કરવા પચીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  

ખોટ કરી રહેલી BESTને બજેટમાં ફાળવવામાં આવેલા ૧૦૦૦ કરોડ રૂપિયાથી ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે
મુંબઈગરાઓની બીજી લાઇફલાઇન ગણાતી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ ખોટમાં ચાલી રહી છે. BESTને ઉગારવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગઈ કાલે રજૂ કરેલા બજેટમાં ૧૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ફન્ડ BESTના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ, મહત્ત્વનાં ઉપકરણોની ખરીદી, લોનનું રીપેમેન્ટ, ટ્રાન્સપોર્ટ મૅનેજમેન્ટ સિસ્ટમ, કર્મચારીઓને દિવાળીનું બોનસ અને પેન્શન તેમ જ બાકી રહેલાં વીજળીનાં પેમેન્ટ કરવામાં વાપરવામાં આવશે. ૨૦૧૨-’૧૩થી અત્યાર સુધી ખોટમાં ચાલી રહેલી BESTને BMCએ ૧૧,૩૦૪.૫૯ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે. બજેટમાં નવી ઇલેક્ટ્રિક બસ ખરીદવા માટે ૯૯૨ કરોડ રૂપિયાનું ફન્ડ મંજૂર કરવામાં આવ્યું છે.


સ્લમના કમર્શિયલ યુનિટ્સ પાસેથી પ્રૉપર્ટી ટૅક્સ વસૂલવાની તૈયારી
મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પ્રૉપર્ટી કે પાણીના ટૅક્સમાં કોઈ વધારો નથી કર્યો. જોકે મુંબઈના સ્લમમાં લગભગ ૫૦,૦૦૦ કમર્શિયલ યુનિટ્સ છે એના પર ટૅક્સ નાખવાની તૈયારી બજેટમાં કરવામાં આવી છે. ૨૦૨૫-’૨૬માં આવા યુનિટ્સમાંથી વર્ષે ૩૫૦ કરોડ રૂપિયાની વધારાની આવક મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આને માટે સરકારનું અપ્રૂવલ લેવાનું હજી બાકી છે. BMCનું કહેવું છે કે આ પૈસા તેઓ સ્લમ્સના ડેવલપમેન્ટ પાછળ જ વાપરશે.

રાજ્ય સરકાર પોતાના હિસ્સાના ઍડિશનલ FSIના પૈસામાંથી અમુક ભાગ BMCને આપશે
બિલ્ડરોને ઝોનલ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) ઉપરાંત આપવામાં આવતા ઍડિશનલ FSI માટે તેમની પાસેથી પ્રીમિયમ વસૂલ કરવામાં આવે છે. જોકે આ પૈસા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને રાજ્ય સરકાર વચ્ચે ૨૫ઃ૭૫ના ભાગે વહેંચવામાં આવતા હોવાથી BMCએ પોતાનો શૅર પચીસ ટકાથી વધારીને ૫૦ ટકા કરી આપવાનું રાજ્ય સરકારને કહ્યું હતું. આ બાબતે રાજ્ય સરકારે ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં BMCની માગને મંજૂર કરવામાં આવી હતી. આને લીધે હવે આ વર્ષે BMCની પ્રીમિયમની આવકમાં ૩૦૦ કરોડ રૂપિયા જેટલો વધારો થવાની શક્યતા છે. 

મુંબઈ પ‌બ્લિક પાર્ક બનાવવામાં આવશે
ગાર્ડન વિભાગને બજેટમાં ૨૨૦.૧૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રૉયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ પાસેથી હસ્તગત કરવામાં આવેલી ૧૨૦ એકર જમીન અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં રીક્લેમ કરવામાં આવેલી ૧૭૦ એકર જમીન પર મુંબઈ પબ્લિક પાર્ક બનાવવાની સાથે મુંબઈનાં ૧૭ જુદા-જુદા સ્થળે ૪૪૧૬ વૃક્ષો વાવવામાં આવશે. ગાર્ડન વિભાગ દ્વારા શહેરના ૩૦૧ ગાર્ડન, ૩૫૮ રમતગમતનાં મેદાન અને ૪૮૪ રેક્રીએશન ગ્રાઉન્ડ મેઇન્ટેન કરવામાં આવે છે.

વેકન્ટ લૅન્ડ ટેનન્સી પૉલિસીથી BMC ૨૦૦૦ કરોડ મેળવશે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એસ્ટેટ વિભાગે વેકન્ટ લૅન્ડ ટેનન્સી (VLT) પૉલિસી તૈયાર કરી છે જેમાં આવી પ્રૉપર્ટીને ડેવલપમેન્ટ માટે આપીને BMC ૨૦૦૦ કરોડ રૂપિયાની આવક ઊભી કરશે. આથી BMCને આગામી વર્ષમાં આવકમાં વધારો થશે. જોકે આ જમીન વેચવામાં નહીં આવે, એને લીઝ પર આપવામાં આવશે.

ફાયરબ્રિગેડને અપગ્રેડ કરવામાં આવશે
મુંબઈમાં અવારનવાર આગ લાગે છે ત્યારે આવી ઘટનાઓમાં પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડને અપગ્રેડ કરવા માટે ૨૬૧.૭૨ કરોડ રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા છે. આ ફન્ડથી નવાં વાહનો અને ઉપકરણો વસાવવાની સાથે ફાયરબ્રિગેડના જવાનોને તાલીમ આપવામાં આવશે. આ સિવાય ભવિષ્યમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં આગ બુઝાવવા માટે કૉમ્પ્રેસ્ડ ઍર ફોર્સ સિસ્ટમ અને ડ્રોનનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.

સિમેન્ટ-કૉન્ક્રીટના રોડનું કામ વર્ષના અંત સુધીમાં પૂરું થઈ જશે
બજેટમાં મુંબઈમાં સિમેન્ટના રસ્તા બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ફેઝ-વનમાં જાન્યુઆરી ૨૦૨૩માં ૬૯૮ રોડનાં કામ શરૂ કરવામાં આવ્યાં હતાં એમાંથી ૧૮૭ રોડનાં કામ પૂરાં થઈ ગયાં છે. એ રીતે ફેઝ-ટૂમાં ડિસેમ્બર ૨૦૨૪માં શહેરના ૧૪૨૦ રોડનાં કામ શરૂ કરવામાં આવ્યાં હતાં એમાંથી ૭૨૦ રોડનાં કામ પૂરાં થઈ ગયાં છે. આ કામ આ વર્ષના અંત સુધીમાં પૂરાં કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વર્ષે ચોમાસા પહેલાં કામ પૂરું થઈ શકે એ રીતે જ રોડ ખોદવાની સૂચના આપવામાં આવી છે.
મુંબઈના મોટા રોડ ઉપરાંત ગલીઓના રસ્તાઓને પણ સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવામાં આવી રહ્યા છે એની કેટલીક ફરિયાદ મળી છે એથી જે-તે વિસ્તારમાં રહેતા લોકો તેમની ગલીમાં સિમેન્ટના રોડ બનાવવા માગે છે કે તેઓ ડામરના રોડથી સંતુષ્ટ છે એ માટેનાં સૂચનો મગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોનાં સૂચનોના આધારે ‌આખરી નિર્ણય લેવામાં આવશે.

પાણીની સપ્લાય વધારવા ડૅમ બનાવવામાં આવશે
મુંબઈમાં વધી રહેલી પાણીની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પાણીની સપ્લાયમાં વધારો કરવા માટે ૨૦૧૯માં બંધ કરી દેવામાં આવેલો ગાર્ગાઈ ડૅમ પ્રોજેક્ટ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ૩૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પર્યાવરણને મુદ્દે અગાઉ આ પ્રોજેક્ટને રદ કરવામાં આવ્યો હતો એટલે હવે ડૅમની સાઇટ અને આસપાસમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

મલ્ટિ-લેવલ રોબોટિક કારપાર્કિંગ બનાવવામાં આવશે
મુંબઈમાં વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે વાહનો પાર્ક કરવા માટે જગ્યા ન મળતી હોવાની ફરિયાદ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મલ્ટિ-લેવલ રોબોટિક કારપાર્કિંગ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે અને એ માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દક્ષિણ મુંબઈના ફ્લોરા ફાઉન્ટનમાં અપ્સરા પેનની દુકાન પાસે ૧૯૪ વાહનોની કૅપેસિટીવાળું પાર્કિંગ બનાવવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત વરલી એન્જિનિયરિંગ હબ પાસે ૬૪૦ કાર અને ૧૧૨ ટૂ-વ્હીલર્સ પાર્ક થઈ શકે એવું પાર્કિંગ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પાર્કિંગ માટેની જગ્યા તૈયાર થઈ ગયા બાદ અહીં ભવિષ્યમાં ૮૩૪ વાહન પાર્ક કરી શકાશે.

ફુટપાથ અને રેક્રીએશન પ્રોજેક્ટ્સ માટે ૫૧૦૦ કરોડ
મુંબઈમાં રસ્તા પર જ નહીં, ફુટપાથ પર પણ ચાલવાનું મુશ્કેલ છે એવી સ્થિતિ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ વર્ષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ યુનિવર્સલ ફુટપાથ પૉલિસી અંતર્ગત લોકો ચાલી શકે એવી ફુટપાથ બનાવવા અને રેક્રીએશનના પ્રોજેક્ટને આગળ વધારવા ‍૫૧૦૦ કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. આ ફુટપાથ પર દિવ્યાંગ પણ સરળતાથી ચાલી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય અત્યારે બની રહેલા ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર જે ૬.૫ કિલોમીટરની ટનલ બનવાની છે એમાં ટાઇગર મૉન્યુમેન્ટ બનાવવાની યોજના BMCએ બનાવી છે. આ પ્રોજેક્ટ રાજ્યના ટૂરિઝમ અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને બનાવવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2025 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK