એક ખોટા મીડિયા રિપોર્ટને કારણે સૂર્યા અને MCAએ જાહેરમાં કરવી પડી સ્પષ્ટતા
સૂર્યકુમાર યાદવ
સ્ટાર બૅટર યશસ્વી જાયસવાલે ડોમેસ્ટિક ક્રિકેટ માટે ગોવાની ટીમ પસંદ કરતાં મુંબઈના અન્ય પ્લેયર્સ વિશે પણ આવા અહેવાલો આવ્યા હતા. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈની ડોમેસ્ટિક ટીમના અન્ય કેટલાક પ્લેયર્સ પણ ટીમનો સાથ છોડીને ગોવાની ટીમમાં સામેલ થઈ રહ્યા છે એમાં સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે અને ટ્રાન્સફરની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.
આ અહેવાલને પોતાના ‘ઍક્સ’ હૅન્ડલ પર શૅર કરીને સૂર્યકુમારે લખ્યું હતું કે ‘સ્ક્રિપ્ટરાઇટર છે કે પત્રકાર? જો હસવાનું જ હોય તો હું કૉમેડી ફિલ્મો જોવાનું બંધ કરીશ અને આ મીડિયા રિપોર્ટ વાંચવાનું શરૂ કરીશ. એકદમ બકવાસ.’
ADVERTISEMENT
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ પણ અહેવાલોને નકારતાં કહ્યું હતું કે ‘અમે સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાઓથી વાકેફ છીએ કે સૂર્યકુમાર યાદવ ગોવા ટીમમાં કેટલાક અન્ય ખેલાડીઓ સાથે જોડાશે. MCAના અધિકારીઓએ સૂર્યા સાથે વાત કરી અને અમે પુષ્ટિ આપી શકીએ છીએ કે આ અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી અને ખોટી છે. સૂર્યકુમાર યાદવ મુંબઈ માટે રમવા માટે પ્રતિબદ્ધ છે અને તે મુંબઈનું પ્રતિનિધિત્વ કરવાનો ખૂબ ગર્વ અનુભવે છે. અમે દરેકને ખોટી માહિતી ફેલાવવાનું ટાળવા અને અમારા પ્લેયર્સને ટેકો આપવા વિનંતી કરીએ છીએ.’

