હાઈ કોર્ટે આવી ટિપ્પણી કરીને BMCને તાકીદ કરી આ દૂષણ હટાવવાની
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
મુંબઈમાં ફેલાયેલા ગેરકાયદે ફેરિયાઓના દૂષણને રોગ સાથે સરખાવીને બૉમ્બે હાઈ કોર્ટે તેમને હટાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને જણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે કાયદાનો સખત અમલ કરવામાં આવે અને એ ફેરિયાઓને એ જગ્યા ખાલી કરવાની ફરજ પાડવામાં આવે. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને અશ્વિન ભોબેએ કહ્યું હતું કે અમે નોંધ્યું છે કે મુંબઈની ફુટપાથો પર ફેરિયાઓ અને ટિનના શેડ દ્વારા કબજો જમાવી દેવામાં આવ્યો છે અને આ સમસ્યા એક રોગની જેમ આખા મુંબઈમાં બધી જ બાજુ પ્રસરી રહી છે.
વિક્રોલીના ટાગોરનગરના અવિનાશ વાલવે અને હિતેશ મોરેએ મે મહિનામાં તેમના વકીલ મારફત બૉમ્બે હાઈ કોર્ટમાં આ અરજી કરી હતી, જેમાં તેમણે રસ્તાઓ પર ગેરકાયદે બેસી જતા ફેરિયાઓ અને ઊભા કરી દેવામાં આવતા પતરાના શેડ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘વિક્રોલીના ટાગોરનગરના વિસ્તારમાં ૧૩ લાખ લોકોની વસ્તી છે. હાલ આ વિસ્તારમાં બહુ જ મોટા પ્રમાણમાં રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જોકે આ જ વિસ્તારમાં બહુ મોટા પાયે ફેરિયાઓએ પણ ફુટપાથ પર કબજો જમાવી દીધો છે અને ગેરકાયદે પતરાના શેડ પણ ઊભા થઈ ગયા છે. તેઓ ડ્રેનેજની ગટરની લાઇનને ઢાંકીને એના પર તેમનો પથારો પાથરી દે છે.’


