ઍરઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI-129 સવારે ૫.૦૫ વાગ્યે ઊપડવાની હતી જે ૧૦ કલાક મોડી એટલે કે બપોરે ૩.૧૫ વાગ્યે ઊપડી હતી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
છેલ્લા ત્રણ દિવસથી મુંબઈનું વાતાવરણ ફ્લાઇટ-ઑપરેશન માટે અનુકૂળ ન હોવાથી અનેક ફ્લાઇટના સમયમાં ફેરફાર થઈ રહ્યો છે. ગઈ કાલે મુંબઈમાં સતત વરસાદ અને લો વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ્સ સરેરાશ ૫૬ મિનિટ મોડી પડી હતી અને ટેક-ઑફ સરેરાશ ૩૨ મિનિટ મોડું થયું હતું. ૯ ફ્લાઇટને લૅન્ડિંગ કરવાની પરવાનગી ન મળતાં ગો અરાઉન્ડ કરવાની ફરજ પડી હતી. એક ફ્લાઇટ સુરત ડાઇવર્ટ કરવામાં આવી હતી. ઍરપોર્ટ તરફના રોડ પર ટ્રાફિક જૅમને કારણે મુસાફરો પણ ફ્લાઇટ માટે મોડા પડ્યા હતા. એથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA) દ્વારા ઍડ્વાઇઝરી જાહેર થઈ હતી જેમાં મુસાફરોને પોતાની ઍરલાઇન્સ તરફથી મળેલી સૂચના મુજબ ઘરથી નીકળવાનું જણાવવામાં આવ્યું હતું.
ઍરઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI-129 સવારે ૫.૦૫ વાગ્યે ઊપડવાની હતી જે ૧૦ કલાક મોડી એટલે કે બપોરે ૩.૧૫ વાગ્યે ઊપડી હતી. ઇન્ડિગો ઍરલાઇન્સની જકાર્તા જતી ફ્લાઇટ સવારે ૬.૩૫ ને બદલે ૮ કલાક મોડી પડી હતી અને બપોરે ૨.૫૦ વાગ્યે ઊપડી હતી. આ સિવાય અનેક ફ્લાઇટ ચારથી પાંચ કલાક મોડી પડતાં સેંકડો મુસાફરો ઍરપોર્ટ પર અટવાયા હતા.

