એક ટ્રક, ત્રણ કાર, ત્રણ બસની ભયંકર અથડામણ
મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર ગોઝારા અકસ્માતમાં બે મહિલાના જીવ ગયા
મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર બોરઘાટ પાસે ગઈ કાલે પુણેથી મુંબઈ આવતી લેન પર જોરદાર અકસ્માત થયો હતો જેમાં એક ટ્રક, ત્રણ કાર અને ત્રણ બસ એકમેક સાથે અથડાઈ હતી અને એમાં બે મહિલાનાં મોત થયાં હતાં અને ચારથી પાંચ જણ ઘાયલ થયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીઓના ફુરચેફુરચા ઊડી ગયા હતા. ક્રેન બોલાવી ગાડીઓ ત્યાંથી હટાવવી પડી હતી. અકસ્માતના કારણે એક્સપ્રેસવે પર કલાકો સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો. ઘાયલોને ગાડીનાં પતરાં કાપીને બહાર કાઢવા પડ્યા હતા અને ત્યાર બાદ હૉસ્પિટલ લઈ જવાયા હતા.
મળતી માહિતી મુજબ પૂરઝડપે જઈ રહેલી ટ્રકે આઇ-૧૦ અને અર્ટિગાને ટક્કર મારી હતી જેમાં આઇ-૧૦ અને અર્ટિગા બન્નેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ટ્રક અને ડિવાઇડરની વચ્ચે આઇ-૧૦ ફસાઈ ગઈ હતી. અન્ય ગાડીઓ પણ તેની સાથે અથડાઈ હતી. કુલ ૭ વાહનો એકમેક સાથે અથડાયાં હતાં. આ અકસ્માતમાં અશ્વિની અક્ષય હળદણકર અને શ્રેયા સંતોષ અવતાડેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. કારમાં તે બન્ને ફસાઈ ગઈ હતી. બહુ પ્રયાસ પછી તેમના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા. અન્ય ચારથી પાંચ ઘાયલોને તરત જ કામોઠેની મહાત્મા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલ અને ખોપોલી નગરપાલિકાની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. કેટલાક ગંભીર ઈજાગ્રસ્તોનાં ઑપરેશન કરવામાં આવ્યાં હતાં.

