૨૦૨૪માં ભારતમાંથી ૧.૬૫ લાખથી વધુ શેન્ગેન વીઝા-અરજીઓ નકારવાથી નૉન-રીફન્ડેબલ ફીમાં લગભગ ૧૩૬ કરોડ રૂપિયાનું કુલ નુકસાન ભારતીય પ્રવાસીઓને થયું હતું
શેન્ગેન વીઝા
શેન્ગેન વીઝાની અરજી રદ થવાથી સૌથી વધુ નુકસાન કરનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. ૨૦૨૪માં ભારતમાંથી ૧.૬૫ લાખથી વધુ શેન્ગેન વીઝા-અરજીઓ નકારવાથી નૉન-રીફન્ડેબલ ફીમાં લગભગ ૧૩૬ કરોડ રૂપિયાનું કુલ નુકસાન ભારતીય પ્રવાસીઓને થયું હતું. અન્ય બે દેશો અલ્જીરિયા અને ટર્કી છે.
ભારતમાંથી લગભગ ૧૧.૦૮ લાખ શેન્ગેન વીઝા-અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાંથી ૫.૯૧ લાખ મંજૂર કરવામાં આવી હતી અને ૧.૬૫ લાખ નામંજૂર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
૨૦૨૪માં શેન્ગેન વીઝા માટે અરજીઓનો કુલ આંકડો ૧૭ લાખને વટાવી ગયો હતો. જેમની વીઝા-અરજી રદ કરવામાં આવી હતી એવા અરજદારો પાસેથી ૧૪૫ મિલ્યન યુરો (આશરે ૧૪૧૦ કરોડ રૂપિયા) ફી વસૂલવામાં આવી હતી જેમાંથી ભારતીયોએ ૧૪ મિલ્યન યુરો (આશરે ૧૩૬.૬ કરોડ રૂપિયા)નું યોગદાન આપ્યું હતું.
મોટા ભાગના ભારતીય વીઝા ફ્રાન્સ દ્વારા નકારવામાં આવ્યા હતા જેમાં કુલ ૩૧,૩૧૪ લોકોએ વીઝા-અરજી કરી હતી. ત્યાર બાદ સ્વિટ્ઝરલૅન્ડ, જર્મની, સ્પેન અને નેધરલૅન્ડ્સ છે જેમણે અનુક્રમે ૨૬,૧૨૬, ૧૫,૮૦૬, ૧૫,૧૫૦ અને ૧૪,૫૬૯ અરજીનો અસ્વીકાર કર્યો હતો.
૧૨ વર્ષ અને એથી વધુ ઉંમરના ભારતીય અરજદારો માટે શેન્ગેન વીઝા માટે અરજી-ખર્ચ પણ ૮૦થી વધારીને ૯૦ યુરો કરવામાં આવ્યો છે. ૧૨ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો, સ્ટુડન્ટ્સ, બિન-લાભકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અન્ય ખાસ કિસ્સાઓમાં આવતા લોકોને વધેલા ફી-માળખામાંથી મુક્તિ આપવામાં આવી છે.

