દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના કાર્યકરોને ચેતવ્યા
દેવેન્દ્ર ફડણવીસ
વર્ધામાં વિદર્ભના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોને સંબોધતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘હવે જ્યારે ચૂંટણીઓ નજીકમાં આવી રહી છે ત્યારે રાજ્યના વિકાસ બદલ વિરોધીઓ સરકાર સાથે સ્પર્ધા કરી શકે એમ નથી એથી તેઓ હવે ખોટી ઇન્ફર્મેશન અને ફેક નૅરેટિવ ચલાવી રહ્યા છે. ૯૯ ટકા વિરોધીઓએ મહારાષ્ટ્ર પબ્લિક સિક્યૉરિટી બિલ વાંચ્યું નહીં હોય અને માત્ર એનો વિરોધ કરવા એ બિલ બંધારણનો ભંગ કરે છે એવો ખોટું નૅરેટિવ ચલાવી રહ્યા છે.’
દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કહ્યું હતું કે ‘૨૦૧૪થી લઈને આપણે દરેક શહેરનો ચહેરો બદલી રહ્યા છીએ. આપણે એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે આપણા વિરોધીઓ આપણી સાથે વિકાસના મુદ્દે સ્પર્ધા કરી શકે એમ નથી. એથી તેઓ હવે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને રોજેરોજ ફેક નૅરેટિવ લાવી રહ્યા છે.’
ADVERTISEMENT
આ સંદર્ભે મહારાષ્ટ્ર પબ્લિક સિક્યૉરિટી બિલનું ઉદાહરણ આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘એવું ફેક નૅરેટિવ સેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એ બિલ ગેરબંધારણીય છે અને એના દ્વારા લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારે આ બિલ માટે પહેલાં એક કમિટી બનાવી હતી જેમાં બધા જ પક્ષોના નેતા હતા. વિધાનસભામાં ચર્ચા કરાયા બાદ જ બધા પક્ષોએ સંમતિ આપ્યા પછી જ એ બિલ પાસ કરવામાં આવ્યું છે. જોકે હવે કેટલાક વિરોધ પક્ષોને તેમના હાઈ કમાન્ડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ બિલનો વિરોધ કરો એટલે તેઓ પઢાવેલા પોપટની જેમ એનો વિરોધ કરી રહ્યા છે. આ બિલ મુખ્યત્વે શહેરી નક્સલવાદ સામે લાવવામાં આવ્યું છે. હવે જે લોકો અરાજકતા ફેલાવા માગે છે તેઓ લોકોને એમ કહીને ઉશ્કેરી રહ્યા છે કે આ બિલ ગેરબંધારણીય છે. શહેરી નક્સલીઓએ બીજાં રાજ્યોએ આ પ્રકારનો કાયદો કર્યો ત્યાર બાદ મહારાષ્ટ્રમાં એનો ફેલાવો વધાર્યો છે. હું જોઈ શકું છું કે ૯૯ ટકા લોકો જે એ બિલનો વિરોધ કરી રહ્યા છે, તેમણે એ બિલ વાંચ્યું જ નથી. પણ એમ છતાં તેઓ એના વિરોધમાં ફેક નૅરેટિવ સેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી રીતે ફેક નૅરેટિવ સેટ કરવાનું તેઓ હવે (મહાનગરપાલિકાની) ચૂંટણીઓ સુધી ચાલુ જ રાખશે. તેઓ વિકાસ બદલ બોલી શકે એમ નથી એથી તેઓ ભાષા, કાસ્ટ અને આવા જ મુદ્દાઓ પર ફેક નૅરેટિવ બનાવતા રહેશે, જેને લોકોના વિકાસ સાથે કોઈ જ લેવાદેવા નહીં હોય.’

