ટૂ-વ્હીલર પર બૅનર પડ્યા બાદ નિર્ણય લેવાયો, મોટાં હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ ઓડિટ થશે
એકનાથ શિંદે
થાણેના તીનહાથ નાકા નજીક સોમવારે બનેલી કમનસીબ બૅનર-દુર્ઘટનાને નાયબ મુખ્ય પ્રધાન અને થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદેએ અત્યંત ગંભીરતાથી લીધી છે. તેમણે તાત્કાલિક થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના કમિશનર સાથે ફોન પર વાતચીત કરીને થાણેમાં લાગેલાં તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનરને તાબડતોબ હટાવી દેવાનો કડક આદેશ આપ્યો છે. ચોમાસાની ઋતુમાં ભારે પવન અને વરસાદને કારણે ભવિષ્યમાં આવી કોઈ ગંભીર દુર્ઘટના ફરી ન બને એ માટે TMCના અધિકારીઓને સજાગ રહેવા જણાવાયું છે.
આ સાથે જ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં લાગેલાં તમામ મોટાં હોર્ડિંગ્સનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે હોર્ડિંગ્સ જોખમી જણાય એમને તાત્કાલિક દૂર કરવામાં આવે અને ગેરકાયદે રીતે બૅનરો લગાવનારા દોષીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. નાયબ મુખ્ય પ્રધાનના આ આદેશ બાદ TMCનું તંત્ર ઍક્શન મોડમાં આવી ગયું છે અને ગઈ કાલ રાતથી જ થાણેમાં ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની સઘન ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
નવા ફોડેલા ૬ સંસદસભ્યો સાથે દિલ્હીમાં અમિત શાહને મળ્યા એકનાથ શિંદે
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા હતા. સ્પેશ્યલ પ્લેન દ્વારા દિલ્હી પહોંચેલા એકનાથ શિંદે સાથે શિવસેના (UBT) છોડનારા ૬ બળવાખોર સંસદસભ્યો પણ હતા. વિકાસના કામ કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી ભંડોળ મેળવવા માટે બેઠક યોજી હોવાનું એકનાથ શિંદેએ જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને શિવસેનાના સંસદસભ્ય તથા એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે પણ હાજર હોવાની માહિતી મળી હતી. રાત્રે ૯.૧૦ વાગ્યાની આસપાસ એકનાથ શિંદે અને ૬ સંસદસભ્યો અમિત શાહની મુલાકાત લેવા તેમના નિવાસસ્થાને દાખલ થયા હતા. ઉલ્લેખનીય છે કે ઑપરેશન ટાઇગર બાદ પહેલી જ વખત એકનાથ શિંદે દિલ્હી ગયા હતા. ૪૫ મિનિટ સુધી એકનાથ શિંદે, સંસદસભ્યો અને અમિત શાહ વચ્ચે ચર્ચા થઈ હતી.
