હવે પછી FDAની પરવાનગી વગર જિમ સપ્લિમેન્ટ્સનું ઉત્પાદન અને વેચાણ નહીં થઈ શકે, એના પર બંધી મૂકવામાં આવી છે.
પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી રહેલા FDA કમિશનર તુકારામ મુંઢે. તસવીરઃ અતુલ કાંબળે
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના રડાર પર હવે પ્રોટીન પાઉડર અને જિમ-સપ્લિમેન્ટ્સ છે. હવે પછી FDAની પરવાનગી વગર જિમ સપ્લિમેન્ટ્સનું ઉત્પાદન અને વેચાણ નહીં થઈ શકે, એના પર બંધી મૂકવામાં આવી છે.
આ વિશે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને માહિતી આપતાં FDAના કમિશનર તુકારામ મુંઢેએ કહ્યું હતું કે ‘યુવાનોમાં જિમ્નેશ્યમમાં જઈને બૉડી બનાવવાનો ક્રેઝ હોય છે. એનો ફાયદો લઈ સોશ્યલ મીડિયા મારફત અનેક વાર મોટા પ્રમાણમાં હેલ્થ-સપ્લિમેન્ટ્સનું વેચાણ કરવામાં આવે છે. વળી એ માટે કોઈ ડૉક્ટરની ઍડ્વાઇઝ લેવાતી નથી હોતી. આ સપ્લિમેન્ટ્સ લેવાને કારણે યુવાનોની હેલ્થ પર એની માઠી અસર પડે છે. એના પર અંકુશ લાવવા આ પગલું લેવાયું છે. પ્રોટીન પાઉડર, મલ્ટિ-વિટામિનની ગોળીઓ, વજન ઘટાડતી ટેબ્લેટ્સ, સ્પોર્ટ્સ ફૂડ ડાયટ અને હર્બલ પ્રોડક્ટમાં ભળતા જ દાવા કરાતા હોય છે. એમાં પાછી મૂળ સામગ્રી કાંઈક અલગ જ હોય છે અને ભળતા જ નામે એનું વેચાણ કરવામાં આવતું હોય છે. ૧૩ નવેમ્બરે કરાયેલી કાર્યવાહીમાં આ બાબતો સામે આવી હતી. એથી જિમ્નેશ્યમ, કેમિસ્ટ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે નિયમોનું કડક પાલન કરવું પડશે. જો નિયમોનું પાલન ન કર્યું તો કડક શિક્ષા થશે. મૅન્યુફૅક્ચરર્સ, સ્ટૉકિસ્ટ, ડિસ્ટ્રિબ્યુટર, ઇમ્પોર્ટર્સ, મેડિકલ સ્ટોર્સ, જિમ્નેશ્યમ અને હેલ્થ સેન્ટર બધાએ એ જ નિયમાવલી ફોલો કરવી પડશે. આ બધા જ પાસે FDAનું એ માટેનું લાઇસન્સ હોવું જરૂરી છે. એના સિવાય કરેલું કોઈ પણ ટ્રાન્ઝૅક્શન નિયમોનું ઉલ્લંઘન ગણાશે.’
ADVERTISEMENT
હેલ્થ-સપ્લિમેન્ટ્સ, સ્પેશ્યલ ડાયટરી ફૂડ, ચોક્કસ બીમારી માટે લેવામાં આવતા ફૂડ સંદર્ભે પણ આ રેગ્યુલેશન્સ રહેશે એમ જણાવતાં તુકારામ મુંઢેએ વધુમાં કહ્યું હતું કે એ જરૂરી છે કે આવું ફૂડ લોકો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લે.
લોનાવલાની રેસ્ટોરાંઓ પણ કંઈ ચોખ્ખી નથી : ફૂડ-સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ ૪ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ સસ્પેન્ડ
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા લોનાવલાની જાણીતી રેસ્ટોરાં અને રિસૉર્ટના કિચનમાં ફૂડ-સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જોયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. કિચનમાં ગંદકી તથા અન્ય નિયમોના ઉલ્લંઘન બદલ FDAના પુણે ડિવિઝન દ્વારા મુંબઈગરાઓના મનપસંદ શૉર્ટ વેકેશન સ્પૉટ લોનાવલાની ૪ જાણીતી રેસ્ટોરાં અને રિસૉર્ટનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
લોનાવલાની હોટેલ ફર્ન, હોટેલ ઑર્કિડ, રિધમ હોટેલ્સ ઍન્ડ રિસૉર્ટ્સ તથા બિઝિલિકા રિસૉર્ટનાં ફૂડ-લાઇસન્સ ૧૮ નવેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. અહીં એક્સ્પાયર થયેલા ફૂડ-પ્રોડક્ટ્સનો ઉપયોગ થતો હતો, કૉક્રૉચ હતા, કિચનમાં ગંદકી હતી, અયોગ્ય રીતે ફૂડ-સ્ટોરેજ થયું હતું તથા ફૂડ-સેફ્ટીની અન્ય જરૂરી બાબતોનું ધ્યાન રાખવામાં ન આવતું હોવાનું જણાયું હતું. ફ્રિજમાં જે ટેમ્પરેચર પર ફૂડ સ્ટોર કરવામાં આવવું જોઈએ એ પણ નહોતું કરાતું તથા કુકિંગ ઑઇલ રેકૉર્ડમાં પણ અનેક છીંડાં જણાયાં હતાં.
ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પર FDAની તવાઈ : ૧૩ લાઇસન્સ કૅન્સલ, પાંચ સસ્પેન્ડ
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા હવે દવાના મૅન્યુફૅક્ચરર્સ, કૉસ્મેટિક્સ મૅન્યુફૅક્ચરર્સ, બ્લડ બૅન્ક અને ફાર્મસ્યુટિકલ મશીનરી બનાવનારાઓ અને દવા વેચનારાઓ સામે ઍક્શન લેવામાં આવી રહી છે. બીજી નવેમ્બરથી ૧૪ નવેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૩૧૯ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યાં હતાં જેમાંથી દવાના ૬૦ મૅન્યુફૅક્ચરર્સમાંથી ૨૪ને નોટિસ આપવામાં આવી હતી, ૧૩નાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવ્યાં હતાં અને પાંચનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. દવાનું વેચાણ કરતાં ૨૫૯ એસ્ટૅબ્લિશમેન્ટમાંથી ૧૧૩ને નોટિસ આપવામાં આવી, ૧૫નાં લાઇસન્સ રદ કરાયાં અને ૮૧ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં હતાં. એ જ રીતે બીજી નવેમ્બરથી ૧૪ નવેમ્બરના આ જ સમયગાળામાં સર્ચ ઍન્ડ સીઝરની ૬ કાર્યવાહીમાં ૨.૨ કરોડ રૂપિયાનાં કૉસ્મેટિક્સ સીઝ કરવામાં આવ્યાં હતાં. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકૉટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હઠળ નશો ચડે, લત પડે એવી દવાઓનું ગેરકાયદે વેચાણ કરવા બદ્દલ બે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ કરી ૩ જણની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈમાં ૩ મૅન્યુફૅક્ચરર્સ અને ૪૩ દવા વેચનારાઓની ચકાસણી કરાઈ હતી જેમાંથી ૧૯ને નોટિસ અપાઈ હતી જ્યારે ૪નાં લાઇસન્સ કૅન્સલ કરાયાં હતાં અને ૨૮નાં લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં હતાં.
