ઘરવખરી અને ગૅસના સિલિન્ડરને કારણે આગ ઝડપથી ફેલાઈ જતાં તેમને ભાગવાનો સમય ન મળ્યો
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરની એક ચાલમાં આગ લાગતાં ચાર બાળકો સહિત ૬ લોકો દાઝી ગયાં હતાં. ગ્રાઉન્ડ પ્લસ એક માળના ચાલીના મકાનના પહેલા માળે ૧૦X૧૦ ફુટ વિસ્તારમાં સોમવારે બપોરે સાડાબાર વાગ્યે આગ લાગી હતી. ઘરનું ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયરિંગ, વાસણ-કપડાં સહિત એક લીક થતું ગૅસનું સિલિન્ડર આગની ચપેટમાં આવતાં આગ ઝડપથી ફેલાઈ હતી એને લીધે અંદર રહેલા લોકો બહાર આવી શક્યા નહોતા. આગમાં ૬થી ૧૦ વર્ષનાં ચાર બાળકો ૧૦ ટકા દાઝ્યાં હતાં, જ્યારે ૪૦ વર્ષની મહિલા અને ૪૫ વર્ષનો એક પુરુષ વધુ દાઝી ગયાં હોવાથી તેમની સ્થિતિ ગંભીર હોવાનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીએ જણાવ્યું હતું. તમામ ૬ જણ રાજાવાડી હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. ફાયર-બ્રિગેડે બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં આગ ઓલવી નાખી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.


