ગુજરાતીઓ અને કચ્છીઓની માનીતી બ્રૅન્ડનું લાઇસન્સ સસ્પેન્ડ, ફૅક્ટરીમાં ચિક્કાર ગંદકીમાં બનતા હતા નાસ્તા
પાલઘરના મનોર વિસ્તારમાં છેડા ફૂડ્સમાં મળી આવેલી ગંદકી.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા જાહેર કરવામાં આવેલી અધિકૃત પ્રેસનોટ અનુસાર પાલઘરસ્થિત મેસર્સ છેડા સ્પેશ્યલિટીઝ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ (મહારાષ્ટ્ર) સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૬ ઑગસ્ટે પાલઘરના મનોર વિસ્તારમાં આવેલી છેડા ફૂડ્સની ફૅક્ટરીમાં કરવામાં આવેલા સરપ્રાઇઝ નિરીક્ષણ દરમ્યાન ગંભીર બેદરકારી સામે આવી હતી. ત્યાર બાદ FSSAI દ્વારા કંપનીનું મૅન્યુફૅક્ચરિંગ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કંપની Chheda’s અને Udupi Munch જેવાં લોકપ્રિય બ્રૅન્ડનેમ હેઠળ નમકીન અને નાસ્તાનું ઉત્પાદન તથા વેચાણ કરે છે. જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને FSSAI દ્વારા ઉત્પાદન કામગીરી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને કંપની જ્યાં સુધી તમામ સુધારાત્મક પગલાં ન લે ત્યાં સુધી લાઇસન્સ સ્થગિત રહેશે.

ADVERTISEMENT
FSSAIની પ્રેસનોટ અનુસાર નિરીક્ષણ દરમ્યાન નીચે મુજબની અત્યંત ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી...
અનહાઇજીનિક ફૂડ હૅન્ડલિંગ : ફૂડ બનાવતા કામદારો ખુલ્લા હાથે ચણાનો લોટ બાંધતા હતા અને ગંદકી તથા સડેલા કચરા નજીક જમીન પર બેસીને કેળાં છોલતા જોવા મળ્યા હતા જેનાથી ખોરાક દૂષિત થવાનું મોટું જોખમ ઊભું થયું હતું.
તેલના સ્ટોરેજમાં ફૂગ : તાજા અને વપરાયેલા ખાદ્ય તેલની સ્ટોરેજ ટૅન્કની આસપાસ ભયાનક અને વ્યાપક રીતે ફૂગ જામી ગયેલી જોવા મળી હતી.
કચરાના નિકાલની અયોગ્ય વ્યવસ્થા : ફૅક્ટરીમાં કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા નહોતી. માર્કેટમાંથી પાછાં આવેલાં, અસ્વીકૃત અને એક્સપાયર થયેલાં ઉત્પાદનોને કાચા માલના સંગ્રહ વિસ્તારની બાજુમાં જ રાખવામાં આવ્યાં હતાં, જેથી ક્રૉસ-કન્ટેમિનેશનનું જોખમ વધી ગયું હતું.
બિનઆરોગ્યપ્રદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર : પ્રોસેસિંગ એરિયાની છતમાંથી પાણી ટપકતું હતું, દીવાલો પરથી પ્લાસ્ટર ઊખડી રહ્યું હતું, ભોંયતળિયે ગંદું પાણી ભરાયેલું હતું અને દૂષિત પાણી સીધું પ્રોસેસિંગ ફ્લોર પર વહાવવામાં આવતું હતું.
પેસ્ટ કન્ટ્રોલ અને સ્ટોરેજનો અભાવ : જીવજંતુઓને રોકવા માટેની જાળીઓ તૂટેલી હતી, સિઝનિંગ એરિયામાંથી મરેલી માખીઓ મળી આવી હતી તથા કાચો માલ અને પૅકિંગ મટીરિયલ ભીની અને ધૂળવાળી જમીન પર સીધું રાખવામાં આવ્યાં હતાં.
રૉ મટીરિયલ અને પૅકેજિંગ મટીરિયલ ભીના અને ધૂળવાળા ફ્લોર પર મૂકવામાં આવ્યાં હતાં.
ટ્રેસેબિલિટીની ક્ષતિઓ : ખાદ્ય પદાર્થોનાં કન્ટેનર પર લેબલ નહોતાં, જેમાં બૅચની વિગતો અને તારીખ દર્શાવવામાં આવી નહોતી. એનાથી પ્રોડક્ટની ટ્રેસેબિલિટીમાં ગંભીર ત્રુટિઓ સામે આવી હતી.
ઉલ્લંઘનનો ઇતિહાસ : અગાઉનાં નિરીક્ષણો દરમ્યાન લેવામાં આવેલાં અનેક ખાદ્ય-સૅમ્પલ પણ ‘અનસેફ’ અથવા ‘મિસબ્રૅન્ડેડ’ જાહેર કરવામાં આવ્યાં હતાં જેની સામે કાનૂની કાર્યવાહી હાલ ચાલુ છે.
સૂચના ન માનવાનો એટલે કે નૉન-કમ્પ્લાયન્સ સ્કોર ૪૨ ટકા રહ્યો હતો. ૮૬માંથી ૩૬ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું નહોતું.
