વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામે અરબી સમુદ્રમાં તીર છોડીને ગોવાની રચના કરી હોવાનો દંતકથાનો ઉલ્લેખ કરતાં મુખ્ય પ્રધાન સાવંતે કહ્યું કે...
પ્રમોદ સાવંત
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે શનિવારે ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં કહ્યું, ગોવા ‘યોગભૂમિ’ (ભક્તિ અને યોગની ભૂમિ) અને ‘ગો-માતા ભૂમિ’ (ગાયની ભૂમિ) કરતાં વધુ છે. એ પરશુરામની ભૂમિ છે. દરિયાકાંઠાનું આ રાજ્ય એના ‘સૂર્ય, રેતી અને સમુદ્ર’ કરતાં એનાં મંદિરો અને સંસ્કૃતિ માટે વધુ લોકોને આકર્ષિત કરી રહ્યું છે.
આ મુદ્દે વધુ બોલતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘પહેલાં જ્યારે પણ લોકો ગોવામાં આવતા હતા ત્યારે તેઓ વિચારતા હતા કે આ ભોગભૂમિ છે, પરંતુ આ ભોગભૂમિ નથી, એ યોગભૂમિ છે. આ ગો-માતા ભૂમિ છે.’
ADVERTISEMENT
સનાતન સંસ્થા દ્વારા એના સ્થાપક જયંત આઠવલેના ૮૩મા જન્મદિવસ અને સંસ્થાની રજત જયંતીની ઉજવણી માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
એવું માનવામાં આવે છે કે વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામે અરબી સમુદ્રમાં તીર છોડ્યું હતું અને એને બે ભાગમાં વિભાજિત કર્યો હતો જેના કારણે ગોવાની રચના થઈ હતી. આ દંતકથાનો ઉલ્લેખ કરતાં મુખ્ય પ્રધાન સાવંતે કહ્યું હતું કે ‘આ ભગવાન પરશુરામની ભૂમિ છે. રાજ્યના સ્વચ્છ અને સુંદર મંદિરો એના દરિયાકિનારા કરતાં વધુ લોકોને આકર્ષી રહ્યાં છે. ભૂતકાળમાં લોકો સૂર્ય, રેતી અને સમુદ્ર જોવા માટે ગોવાની મુલાકાત લેતા હતા. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રવાસીઓ અહીં આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને ભવ્ય મંદિરોનો અનુભવ કરવા માટે આવી રહ્યા છે.’
ગોવામાં મંદિરોનું સંચાલન સરકાર નહીં, પરંતુ સ્થાનિક સમુદાયો કરે છે જેમણે સદીઓ જૂની ધાર્મિક વિધિઓ અને રિવાજોને જાળવી રાખ્યા છે. રાજ્યમાં મંદિરોના સંચાલનમાં સરકારની કોઈ સંડોવણી નથી.

