રસ્તાઓ પાણીમાં એકાકાર, ઘરો ગળાડૂબ પાણીમાં ગરકાવ, ૪૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
ગળાડૂબ પાણીમાં બચેલો સામાન લઈને લોકોએ ઘર છોડ્યું હતું.
સોમવારે અનરાધાર વરસ્યા બાદ મંગળવારે વરસાદનું જોર વધ્યું હતું. બે દિવસ સુધી ખાબકેલા વરસાદે વસઈના રહેવાસીઓનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. મંગળવારે બપોર સુધી પૂરા થતાં ૨૪ કલાકમાં વસઈમાં ૨૦૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. નાલાસોપારા, વિરાર તથા એની આસપાસનાં ક્ષેત્રો જળબંબાકાર થયાં હતાં. મોટા ભાગના રસ્તા પાણીમાં એકાકાર થઈ ગયા હતા. ટ્રૅક પર પાણી ભરાઈ જતાં વસઈથી આગળ ટ્રેનોનાં પૈડાં થંભ્યાં હતાં. સૌથી ખરાબ હાલત વસઈના મીઠાગરની થઈ હતી. આખા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં આશરે ૧૦૦ કુટુંબોના ૪૦૦ લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. ગળાડૂબ પાણીમાંથી આ રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમે પ્રશંસનીય રીતે બહાર પાડી હતી. બોટમાં બેસાડીને અમુક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો અમુક લોકોને દોરડાના સહારે અને માનવસાંકળ રચીને ગળા સુધી આવતા પાણીમાંથી સલામત સ્થળ સુધી લઈ જવાયા હતા. એમાંથી કામણ ચિંચોટીના આશાનગર, કેતકીપાડા અને સાઈનગરમાંથી ૧૦૦ લોકોને બચાવવામાં આવ્યા હતા. આ રહેવાસીઓના જીવ તો બચ્યા હતા, પણ તેમણે પહેરેલાં કપડે ઘરમાંથી નીકળવું પડ્યું હતું. ઘરવખરી અને ઘરમાં મૂકેલો બધો જ સામાન વહી ગયો અથવા નષ્ટ થઈ ગયો હોવાથી તેમની સ્થિતિ દયનીય બની હતી. હાલમાં તેમને આંગણવાડી અને સ્કૂલોમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
આ વિસ્તારોમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ
ADVERTISEMENT
નાલસોપારા-ઈસ્ટમાં આચોલે, તુળીંજ, સેન્ટ્રલ પાર્ક, સ્ટેશન રોડ; નાલાસોપારા-પશ્ચિમમાં પઠાણ પાર્ક, શ્રીપ્રસ્થનગર, નવજીવન ઉપરાંત વિરારમાં વિવા કૉમ્પ્લેકસ અને યુનિટેક પાર્કમાં પાણી ભરાયાં હતાં.
બાઇક ખાડામાં પડતાં મહિલાને ગંભીર ઈજા
વસઈના ગિરિજ ગળ નાકા પાસે રસ્તાઓને ભારે નુકસાન થયું છે તેમ જ પાણી ભરાવાને કારણે ખાંડાનો અંદાજ ન રહેતાં અકસ્માતો વધ્યા છે. આ જગ્યાએથી પસાર થતા એક બાઇકસવારનું ખાડાને કારણે બૅલૅન્સ જતાં તે અને તેની પાછળ બેઠેલી મહિલા રસ્તા પર પટકાયાં હતાં. એમાં મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. સદનસીબે બન્નેનો જીવ બચી ગયો હતો.
મીરા-ભાઈંદરમાં ચાર ફુટ પાણી ભરાયાં
ઘોડબંદરથી મીરા-ભાઈંદર જતા રસ્તા પર ચાર ફુટ પાણી ભરાયાં હતાં, જેને કારણે આ રસ્તા પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. મીરા-ભાઈંદરનાં અંતરિયાળ ગામો વર્સોવા, કાજુપાડા, ચેના ગામમાં ચાર ફુટથી વધુ પાણી ભરાયાં હતાં.

