ડેન્ગીના દરદીની સારવાર કરવા માટે ૬ લાખ રૂપિયા ચાર્જ કરનારી હૉસ્પિટલ પર ભડક્યા શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગર
સંતોષ બાંગર
પ્રેગ્નન્ટ મહિલાની સારવાર માટે ઍડ્વાન્સમાં રૂપિયા માગવા બદલ પુણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ વિવાદમાં છે ત્યારે હિંગોલીમાં ડેન્ગીના દરદીને હૉસ્પિટલે છ લાખ રૂપિયાનું બિલ આપવાનો મામલો સામે આવ્યો છે. હિંગોલી જિલ્લાના છત્રપતિ સંભાજીનગર ખાતેની MGM હૉસ્પિટલમાં ડૅન્ગીની સારવાર લેનારી અદિતિ સરકટેને હૉસ્પિટલે છ લાખ રૂપિયાનું બિલ આપ્યું હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વિશે શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગરે ગઈ કાલે હૉસ્પિટલના ડૉક્ટરને ફોન કરીને પૂછ્યું હતું કે ‘તમે દરદીને અમૃત પીવડાવો છો? દરદીને ત્રણ લાખ રૂપિયાનું મેડિકલ બિલ આપવામાં આવ્યું છે અને ૨.૮૫ લાખ રૂપિયા હૉસ્પિટલનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. દરદીએ ૧.૮૦ લાખ રૂપિયા ભર્યા છે. ડૅન્ગીના દરદીને આટલું મોટું બિલ પકડાવો છો? મારો ભાઈ પણ ડૉક્ટર છે એટલે દરદી પાસેથી ખોટી રીતે વધુ રૂપિયા ન લો. હૉસ્પિટલ મોટું બિલ આપીને લોકોને લૂંટવા માટે બનાવી છે? ગરીબોને લૂંટવાનું બંધ કરો. હાથ જોડીને વિનંતી કરું છું. તમે આવી જ રીતે હૉસ્પિટલ ચલાવવાનું ચાલુ રાખશો તો અમને પણ ઍક્શન લેવાનો અધિકાર છે.’

