સવા વર્ષમાં ગેરકાયદે ફેંકાયેલા કચરાની મળી ૧૫૦૦ ફરિયાદ
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં બિલ્ડિંગોના રીડેવલપમેન્ટ અને ઘરોના રિનોવેશનમાંથી નીકળતો કાટમાળ ગમે એ જગ્યાએ ફેંકી દેવાનું ચલણ વધી રહ્યું હોવાનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને મળી રહેલી ફરિયાદો પરથી સ્પષ્ટ થાય છે. નવેમ્બર ૨૦૨૩થી લઈને જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં BMCના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને આ રીતે ગેરકાયદે કાટમાળ નાખવામાં આવ્યો હોવાની ૧૫૦૦ ફરિયાદ મળી છે.
પૉલ્યુશન કન્ટ્રોલને લગતા નિયમોનું ઉલ્લંઘન ન થાય એ માટે BMCએ બિલ્ડર અને ડેવલપર્સ માટે ગાઇડલાઇન પણ બહાર પાડી છે તેમ જ ઑક્ટોબર ૨૦૨૪થી નિયમો ન પાળનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ શરૂ કરીને જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં ૭૭.૭૩ લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો છે છતાં આ ગેરકાયદે ડમ્પિંગમાં ઘટાડો નથી થયો.
ADVERTISEMENT
સૌથી વધુ રસ્તા પર ગેરકાયદે કાટમાળ ઠાલવવાની ૨૯૯ ફરિયાદ BMCના વૉર્ડ એમ-ઈસ્ટ, ગોવંડીમાંથી મળી હતી. એ સામે કાર્યવાહી કરીને કૉન્ટ્રૅક્ટરો પાસેથી ૮.૨૯ લાખ રૂપિનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.
મકાન તોડીને રીડેવલપ કરતી વખતે જે કાટમાળ થાય છે એનો નિકાલ કરવા માટે BMC દ્વારા ફિક્સ સાઇટ્સ આપવામાં આવી છે, પણ આ કાટમાળ ઉપાડનારા કૉન્ટ્રૅક્ટરો એનું ઉલ્લંઘન કરીને ગમે એ જગ્યાએ આ કાટમાળ નાખી આવતા હોય છે. આવી જ રીતે મોટા ભાગની સોસાયટીઓમાંથી પણ કાટમાળ ઉપાડીને કૉન્ટ્રૅક્ટરો એનો યોગ્ય નિકાલ ન કરતા હોવાની અનેક ફરિયાદ BMCને મળી છે.

