કોઈએ તેમની મહેનતને સલામ કરી છે તો કોઈએ ‘શુક્રિયા’ કહીને તેમનું મનોબળ વધાર્યું છે
શાહરુખ ખાને મુંબઈ પોલીસની વર્ષ ૨૦૧૭ની એક પોસ્ટ રી-શૅર કરી છે
ગઈ કાલે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાનથી લઈને અક્ષય કુમાર સુધી સૌએ મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો અને તેમના માટે ખાસ પોસ્ટ શૅર કરી હતી. કોઈએ તેમની મહેનતને સલામ કરી છે તો કોઈએ ‘શુક્રિયા’ કહીને તેમનું મનોબળ વધાર્યું છે. ગઈ કાલે મુંબઈ પોલીસે સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ પર ૧૦ વર્ષ પૂર્ણ કર્યાં છે. આ ખાસ અવસરે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારે મુંબઈ પોલીસ માટે પોસ્ટ લખી અને તેમના જુસ્સા તથા સેવાભાવને સલામ કરી છે.
શાહરુખ ખાને મુંબઈ પોલીસની વર્ષ ૨૦૧૭ની એક પોસ્ટ રી-શૅર કરી છે, જેમાં તેની ફિલ્મ ‘ડર’નો રેફરન્સ આપવામાં આવ્યો છે. આ સાથે શાહરુખ ખાને કૅપ્શનમાં લખ્યું, ‘૭૦ મિનિટ નહીં, આખી જિંદગીનો સવાલ છે. અને મુંબઈ પોલીસે અમારી સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પોતાની જિંદગી સમર્પિત કરી દીધી છે. નિઃસ્વાર્થ ફરજ માટે મુંબઈ પોલીસ અને મુંબઈ પોલીસ કમિશનરનો દિલથી આભાર અને સોશ્યલ મીડિયા પર ૧૦ શાનદાર વર્ષ પૂરાં કરવા બદલ અભિનંદન.’
ADVERTISEMENT

અમિતાભ બચ્ચને પણ મુંબઈ પોલીસની વર્ષ ૨૦૧૭ની એક પોસ્ટ શૅર કરી, જેમાં તેમની ફિલ્મ ‘દીવાર’નું પોસ્ટર છે. સાથે તેમણે લખ્યું કે ‘આજે અમે ખૂબ ખુશ છીએ. મુંબઈ પોલીસ અને મુંબઈ પોલીસ કમિશનરે સોશ્યલ મીડિયા પર ૧૦ ગૌરવશાળી વર્ષ પૂર્ણ કર્યાં છે અને મુંબઈવાસીઓની ઑનલાઇન સુરક્ષા માટે હંમેશાં તૈયાર છે. સંસ્કૃતમાં ‘સદ્રક્ષણાય ખલનિગ્રહણાય’નો અર્થ થાય છે ‘સારા કામની રક્ષા કરવી અને બુરાઈને રોકવી’. આ નાગરિકોની સુરક્ષા અને ગુનાઓ સામે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’

અક્ષય કુમારે મુંબઈ પોલીસની ૨૦૧૮ની એક પોસ્ટ શૅર કરી છે, જેમાં ફિલ્મ ‘હેરા ફેરી’ના સ્ટિલ્સ છે. તેણે લખ્યું, ‘છેતરામણી સ્કીમથી કેવી રીતે બચવું એ તો જણાવવું જ પડેને? મુંબઈ પોલીસ અને મુંબઈ પોલીસના કમિશનરને સલામ, જેઓ હંમેશાં અમારી રક્ષા કરે છે. અમારી સુરક્ષા માટે અમે તમારા ખૂબ આભારી છીએ.’


