કબૂતરોથી માનવજાતને કોઈ ખતરો નથી એવા હૉસ્પિટલોના રિપોર્ટ પછીયે કાર્યવાહી ચાલુ જ; પોલીસફોર્સ અને BMCના અધિકારીઓએ દાદરના કબૂતરખાનાની પાણીની પાઇપલાઇન પણ કાપી નાખી, ગઈ કાલે રાત્રે અહીં સુધરાઈના કર્મચારીઓ કપડું ઢાંકવા આવ્યા ત્યારે એના વિરોધમાં લોકો ભેગા
ચણ વગર ટળવળતાં સેંકડો કબૂતરો અશક્ત થઈ ત્યાં જ ફસડાઈ પડે છે અને મૃત્યુ પામે છે, જ્યારે અનેક પાછાં ઊડવાની શક્તિ ગુમાવી દે છે (ડાબે); ચણ નાખતા લોકો પર વૉચ રાખવા CCTV કૅમેરા, માર્શલ્સ, પોલીસફોર્સ અને BMCના અધિકારીઓની ફોજ (વચ્ચે); મોડી રાત્રે રસ્તા પર ઉતરીને વિરોધ કરનારા લોકો (જમણે)
કી હાઇલાઇટ્સ
- રાત્રે ૧૧ વાગ્યે BMCના કર્મચારીઓ કબૂતરખાનાને ગ્રીન કપડાથી ઢાંકવા આવી એને પગલે આક્રોશ
- દાદરમાં વીફરેલી પબ્લિક રાતે રસ્તા પર ઊતરી આવી, મોડી રાતે રસ્તા પર ઊતરીને લોકોએ કર્યો વિરોધ
- કહ્યું, જો સરકારને ટૅક્સની ભૂખ હોય તો આના પર પણ ટૅક્સ લગાડે, ગુજરાતીઓ-જૈનો એ ટૅક્સ આપીશું
કબૂતરખાનાને કારણે એની આસપાસ રહેતા લોકોમાં ફેફસાંની બીમારી ફેલાય છે અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊભી થાય છે એવી રજૂઆતને પગલે બૉમ્બે હાઈ કોર્ટનો આદેશ આવ્યો છે એ મુજબ હવે કબૂતરોને જે કોઈ ચણ નાખશે તેના પર ક્રિમિનલ કેસ ફાઇલ કરીને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવશે. એનાથી કબૂતરોને જે થોડુંઘણું પણ ચણ નાખવામાં આવે છે એ સંપૂર્ણ બંધ થયું છે. એથી હજારો કબૂતરો ચણના અભાવે મોતને ભેટી રહ્યાં છે. ગઈ કાલે પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓની એક ટીમ દાદરના કબૂતરખાનાએ પહોંચી ગઈ હતી અને એણે કબૂતરખાનાનું માપ લીધું હતું. અત્યારે પણ કબૂતરો તેમને રોજ અહીં ચણ મળતું હોવાથી આવે છે, પણ ચણ ન હોવાને કારણે ભૂખ્યાં મરે છે. BMC હવે કબૂતરખાનાને ગ્રીન કપડાથી ઢાંકી દેવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ગોવાલિયા ટૅન્ક કબૂતરખાનાને પણ કપડાથી ઢાંકી દેવામાં આવ્યું છે. અધૂરામાં પૂરું, ગઈ કાલે BMCએ દાદર કબૂતરખાનાની પાણીની પાઇપલાઇનનું કનેક્શન પણ કાપી નાખ્યું હતું એથી હવે ચણ તો નહીં જ મળે, પણ પારેવાંઓએ હવે તો પાણી માટે પણ ટળવળવું પડશે.
આ ઘટનાક્રમને પગલે કબૂતરખાનાને મેઇન્ટેન કરનાર ટ્રસ્ટ હવે સફાઈ કઈ રીતે કરશે એવા સવાલ પણ ઊઠ્યા છે. અસંખ્ય કબૂતરો હવે અશક્ત થઈ ગયાં છે અને ઊડી નથી શકતાં. અનેક કબૂતરો મૃત્યુ પામે છે એને ઉપાડશે કોણ, એ જગ્યાએ રોગચાળો ન ફેલાય એ માટે પાણી વગર સફાઈકાર્ય કઈ રીતે થશે એવા સવાલ દાદર કબૂતરખાનાના ટ્રસ્ટી નરેન્દ્ર મહેતાએ કર્યા હતા.
ADVERTISEMENT
મુંબઈની વડી અદાલતે ૩૦ જુલાઈના ઑર્ડરમાં જણાવ્યું હતું કે અમારા ૨૪ જુલાઈના આદેશ મુજબ કબૂતરોને ચણ નાખવાનું બંધ કરવાનું કહેવામાં આવ્યું હોવા છતાં હજી લોકો કબૂતરોને ચણ નાખી રહ્યા છે જે અદાલતના આદેશના અવમાન સમાન છે અને એ માટે કૉર્પોરેશને જરૂરી સઘળાં પગલાં લેવાં. એ માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવાનો, બીટમાર્શલ ઑફિસરોની નિમણૂક કરવાનો તેમ જ નજીકનાં બિલ્ડિંગોના લોકો પોતાના ઘરમાંથી પણ ચણ ન નાખે એનું ધ્યાન રાખવાનો અને પોલીસફોર્સ તથા કૉર્પોરેશનના અધિકારીઓની નિમણૂક કરીને સખત પગલાં લેવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. નિયુક્ત કરાયેલા અધિકારીઓને રજૂ કરવામાં ફોટોમાં ચણ નાખી રહેલા લોકો સામે ક્રિમિનલ કેસ દાખલ કરીને કોર્ટના અવમાનનો પણ કેસ કરવાની તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત કૉર્પોરેશનને એ જગ્યામાં ચોખ્ખાઈ રાખવા તથા આરોગ્યને હાનિ ન થાય એવાં પગલાં લેવા જણાવ્યું હતું.
મોડી રાતે રસ્તા પર ઊતરીને લોકોએ કર્યો વિરોધ...કહ્યું કે જો સરકારને ટૅક્સની ભૂખ હોય તો આના પર પણ ટૅક્સ લગાડે, અમે ગુજરાતીઓ-જૈનો એ ટૅક્સ આપીશું
દિવસે કબૂતરખાનાનું માપ લઈ ગયેલા BMCના કર્મચારીઓ મોડી રાતે ૧૧ વાગ્યા બાદ કબૂતરખાનાને ઢાંકવા ગ્રીન કપડું લઈને આવી પહોંચ્યા હતા. જોકે એ વખતે પણ લોકોએ તેમનો વિરોધ કર્યો હતો, લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તેમને વિનંતી કરતાં કહ્યું હતું કે કપડું ન ઢાંકો. આ વિરોધ-પ્રદર્શનમાં અનેક મહિલાઓ પણ જોડાઈ હતી.
કબૂતરોનાં મોત, કાગડાઓને જ્યાફત
આજ સુધી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી કે કોઈ પણ બંધારણીય સત્તાવાળાઓ દ્વારા કોઈ સર્ક્યુલર કે આદેશ બહાર પાડવામાં આવ્યો જ નથી. દાયકાઓથી આસ્થાળુઓ ધાર્મિક ફરજ અને અધિકાર બન્નેની રૂએ કબૂતરોને ચણ નાખવાની ફરજનું પાલન કરી રહ્યા હતા. બીજી તરફ સ્થાનિક લોકોનો એવો મત હતો કે કબૂતરોને ચણ ન મળવાથી સેંકડોથી હજારો કબૂતરો મૃત્યુ પામી રહ્યાં છે અને એમને ખાવા માટે કાગડા વગેરે આવી રહ્યા છે તેથી ટ્રાફિકમાં અડચણ થાય છે અને ઍક્સિડન્ટ થવાનો પણ ભય રહે છે. ચણ ન મળવાથી મરેલાં કબૂતરોની દુર્ગંધથી આજુબાજુના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. સેંકડો-હજારો મૃત કબૂતરો પાણીની પાઇપલાઇનમાં જઈ શકે છે અને ગટરોને પણ ચોકઅપ કરી શકે છે.
વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થવી જોઈએ : ઍડ્વૉકેટ મનીષા કારિયા
ઍનિમલ વેલ્ફેર બોર્ડનાં વકીલ મનીષાબહેન તેમ જ અહિંસાપ્રેમીઓના વકીલોએ કોર્ટમાં આ બાબતે દલીલો કરી હતી કે અચાનક ચણ નાખવાનું બંધ થવાથી ખોરાક અને પાણી વગર સેંકડો-હજારો કબૂતરો રસ્તા પર બેસી ચણની રાહ જોઈને અત્યંત દયનીય પરિસ્થિતિમાં મોતના મુખમાં ધકેલાઈ જશે. એ માટે પણ સૌહાર્દપૂર્વકનો રસ્તો શોધવો જોઈએ અને એ અંગે ઍનિમલ વેલ્ફેર બોર્ડ પોતાની સ્કીમ પણ રજૂ કરવા તૈયાર છે જેને કોર્ટે માન્ય રાખી છે અને ૭ ઑગસ્ટે આ કેસની સુનવાઈ નિશ્ચિત કરી છે. એમ છતાં ૩૦ જુલાઈનો ફરીથી આટલો કડક આદેશ આમજનતા માટે અનપેક્ષિત હતો.
હૉસ્પિટલના આંકડા શું કહે છે?
નાયર હૉસ્પિટલે પણ એક રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘અમારે ત્યાં OPDના છેલ્લા વર્ષમાં ૧૫,૦૦૦ જેટલા કેસ આવ્યા છે. એમાં હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ એટલે કે ફેફસાંને લગતી ગંભીર બીમારીના કેસ માત્ર ૮ હતા. એમાં પણ કબૂતરથી થયેલી બીમારીના માત્ર બે કેસ હતા અને એમાં મૃત્યુદર શૂન્ય હતો.’ સાયન હૉસ્પિટલે પણ જાહેર હિતની અરજીના જવાબમાં લખ્યું છે કે ‘અમારે ત્યાં OPDના ૧૧,૫૯,૪૬૪ દરદીઓમાંથી ૫૧,૭૮૫ દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમાં માત્ર ૧૨ વ્યક્તિને હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ હતો. એમાંથી માત્ર ચાર કેસ કબૂતરોને ખવડાવવાથી થયા હતા અને એમાંથી મૃત્યુદર માત્ર એકનો હતો.’
કબૂતરોની સારવાર કરનાર સ્વસ્થ
શ્રી વર્ધમાન પરિવારના કાયદાકીય નિષ્ણાત કમલેશ શાહે જણાવ્યું હતું કે ‘દિલ્હીમાં પશુ-પંખી અંગેની દેશની સૌથી મોટી એક હૉસ્પિટલનો રિપોર્ટ છે અને એના ડીને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ OPDમાં અને સર્જરીમાં કુલ ૫૮,૦૦૦ કબૂતરોને પ્રતિ વર્ષ ટ્રીટમેન્ટ આપે છે અને માસ્ક પહેર્યા વગર પણ કામ કરતા હોવા છતાં તેમને કે તેમની ડૉક્ટરોની ટીમને કોઈ પણ પ્રકારની ફેફસાંને લગતી બીમારી થઈ નથી.
હજારોની સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા તૈયાર
જીવદયાપ્રેમી સંસ્થાઓએ દાદર અને અન્ય કબૂતરખાનાંઓમાં છેલ્લાં ૨૫-૫૦ વર્ષથી ચણ નાખતા ૩૦૦૦થી વધારે લોકોનાં ઍફિડેવિટ અને પત્રો કોર્ટને બતાવ્યાં છે જેમાં તેમણે લખ્યું છે કે અમને નિત્ય ચણ નાખવા છતાં કોઈ પણ પ્રકારની બીમારી થઈ નથી અને એ વિશે ડૉક્ટરોની કોઈ પણ તપાસ કે ટેસ્ટિંગ રિપોર્ટ કરાવવા માટે આગળ આવવા તૈયાર છે.

