નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મ `વશ`ને બીજા લેવલ સુધી લઈ જતી ફિલ્મ `વશ લેવલ 2`નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આની સાથે જ આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થવાની છે જેનું હિન્દીમાં નામ છે `વશ વિવશ લેવલ 2`.
વશ લેવલ 2
નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મ વશને બીજા લેવલ સુધી લઈ જતી ફિલ્મ `વશ લેવલ 2`નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આની સાથે જ આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થવાની છે જેનું હિન્દીમાં નામ છે `વશ વિવશ લેવલ 2`. આ ફિલ્મમાં શૈતાની શક્તિઓ અને ભયની પરાકાષ્ઠા બતાવવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર જોઈને જ ખ્યાલ આવે છે કે ફિલ્મમાં વશીકરણનો વ્યાપ તો છે જ પણ સાથે બમણું ભય અને બમણાં આતંક સાથે આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.
ફિલ્મનાં ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરૂઆત ગર્લ્સ સ્કૂલ અને વિદ્યાર્થિનીઓ દ્વારા થાય છે, ત્યાર બાદ વશીકરણ થયેલી વિદ્યાર્થિનીઓનું બદલાતું વર્તન અને ધીમે ધીમે વશીકરણનો આતંક વકરતો જોવા મળે છે. આ ટ્રેલરમાં પ્રતાપ અંકલ એક રહસ્યમયી પાત્ર છે જેને શોધવા માટે લગભગ સ્કૂલની બધી જ વિદ્યાર્થિનીઓ વશીકરણનો ભોગ બની છે. વશીકરણના પ્રભાવમાં આવીને કઈ રીતે છોકરીઓ આપઘાત કરે છેથી માંડીને કઈ રીતે તે કોઈનું મર્ડર કરતાં પણ ખચકાતી નથી આ ટ્રેલરમાં જોઈ શકાય છે અને જે તમારામાં પણ એક પ્રકારનો ભય તો પેસાડી જ દે છે.
ADVERTISEMENT
આ ફિલ્મ સિનેમાઘરોમાં 27 ઑગસ્ટના રોજ હિન્દી અને ગુજરાતી બન્ને ભાષામાં રિલીઝ થવાની છે. ફિલ્મ `વશ લેવલ 2`નું દિગ્દર્શન પણ ફિલ્મ `વશ`ની જેમ કૃષ્ણદેવ યાજ્ઞિકે જ કર્યું છે. ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતૂ કનોડિયા, મોનલ ગજ્જર, ચેતન દૈયા, પ્રેમ ગાંધી અને હિતેન કુમાર મુખ્ય પાત્રોમાં છે. અહીં જુઓ ગુજરાતી ટ્રેલર.
નોંધનીય છે કે ગયા વર્ષે ફિલ્મ `વશ` પરથી અજય દેવગન સ્ટારર બૉલિવૂડ ફિલ્મ `શૈતાન` રિલીઝ કરવામાં આવી હતી. હવે `વશ લેવલ 2` ગુજરાતીમાં અને `વશ વિવશ 2` હિન્દીમાં એક સાથે 27 ઑગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું હિન્દી ટ્રેલર પણ રિલીઝ થયું છે, જે ડર અને શૈતાની શક્તિઓની નવી સ્ટોરી દર્શાવે છે. અહીં જુઓ હિન્દી ટ્રેલર
ફિલ્મ વશની વાર્તાને આગળ વધારે છે `વશ લેવલ 2`
જ્યાં ફિલ્મ વશની વાર્તા પૂરી થતી હતી ત્યાં હવે આ પ્રતાપ અંકલની શોધ, વશીકરણમાં પોતાનો જીવ આપવાથી માંડીને કોઈનો જીવ લઈ લેવા સુધી કશું પણ બાકી રહેતું નથી એટલું જ નહીં, જે છોકરીઓ વશીકરણનો ભોગ બની છે તેમને આ મુશ્કેલીમાંથી કાઢી શકાશે કે કેમ એ જાણવું હોય તો તમારે આ ફિલ્મ જોવી પડશે.
નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા નેશનલ ફિલ્મ ઍવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. એક ઐતિહાસિક ક્ષણમાં સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘વશ’ છવાઈ ગઈ છે. ‘વશ’ જેની પાછળથી હિન્દી થ્રિલર ‘‘શૈતાન’’માં રિમેક કરવામાં આવી હતી, તેણે 1 ઑગસ્ટ 2025ના રોજ દિલ્હીમાં જાહેર કરાયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બે મુખ્ય પુરસ્કારો મેળવ્યા છે. આ ફીચર ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું અને ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાને ‘બેસ્ટ સપોર્ટિંગ ઍકટ્રેસ’ (શ્રેષ્ટ સહાયક અભિનેત્રી)નો પુરસ્કાર જાહેર થયો છે. મલયાલમ અભિનેત્રી લીલામ્મા અને જાનકીને બેસ્ટ સપોર્ટિંગ ઍકટ્રેસ તરીકે ઍવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, કલાકારોમાં હિતુ કનોડિયા, નીલમ પાંચાલ, આર્યબ સંઘવી અને હિતેન કુમારનો પણ ફિલ્મમાં સમાવેશ થાય છે.

