વિખ્યાત સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીની વાતોમાં જેટલી હળવાશ છે એટલી જ હળવાશ સાથે તેમણે પોતાના જીવનના સંઘર્ષોને પણ લીધા છે. શેરો-શાયરીના શોખીન આ ડૉક્ટરે આજથી ૫૬ વર્ષ પહેલાં સેક્સ્યુઅલ મેડિસિનમાં ઝંપલાવ્યું એનું એક કારણ મુશાયરાના કાર્યક્રમો પણ હતા.
અલભ્ય વસ્તુઓના કલેક્શનના શોખીન ડૉ. પ્રકાશ કોઠારી
વિખ્યાત સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીની વાતોમાં જેટલી હળવાશ છે એટલી જ હળવાશ સાથે તેમણે પોતાના જીવનના સંઘર્ષોને પણ લીધા છે. શેરો-શાયરીના શોખીન આ ડૉક્ટરે આજથી ૫૬ વર્ષ પહેલાં સેક્સ્યુઅલ મેડિસિનમાં ઝંપલાવ્યું એનું એક કારણ મુશાયરાના કાર્યક્રમો પણ હતા. તેમના જીવનના પ્રસંગો, તેમની લવસ્ટોરી અને રસથી સભર તેમની વાતોનો ખજાનો પ્રસ્તુત છે
‘મૈં તો ગઝલ સુનાકે અકેલા ખડા રહા, સબ અપને-અપને ચાહનેવાલોં મેં ખો ગએ...’ લગભગ દરેક ત્રીજા વાક્યે તેમના મોઢે તમને શાયરી સાંભળવાનો લુત્ફ મળે અને એ શેર પણ એવો કે તમે વાહ-વાહ કહ્યા વિના રહી ન શકો. શેરો-શાયરીના ચાહક એવા અનોખા ડૉક્ટર જેમનો સ્વભાવ જ છે ચીલો ચાતરવાનો અને એ પછીયે એનો લેશમાત્ર ભાર તેમના વ્યવહારમાં નહીં વરતાય. બાળક જેવી નિખાલસતા સાથે વિદ્વત્તાને જીવતા ડૉ. પ્રકાશ કોઠારીએ આજથી ૫૬ વર્ષ પહેલાં જ્યારે સેક્સોલૉજિસ્ટ બનવાનું નક્કી કર્યું અને પોતાના દમ પર જ પ્રૅક્ટિસ ઊભી કરવાનો નિર્ણય લીધો ત્યારે ઘણા ડૉક્ટર મિત્રો તેમના પર હસ્યા હતા. પરિવારને ખબર જ નહોતી કે ડૉક્ટર બનેલો પરિવારનો દીકરો છોછ સાથે જોવાતા ક્ષેત્રમાં લોકોની મદદ કરીને પદ્મશ્રી સુધીનું બિરુદ પામવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ડગલે ને પગલે ડેરિંગ અને મક્કમતા સાથે સંઘર્ષ સામે ખેલદિલીથી લડેલા, ઇતિહાસ રચનારા અને વૈશ્વિક સ્તરે અનેક સન્માનોથી નવાજાયેલા એક અનોખા વ્યક્તિત્વ એવા ડૉ. પ્રકાશ કોઠારી પાસેથી તેમના જીવનનાં અજાણ્યાં પૃષ્ઠોને જાણીએ અને માણીએ આજે.
પત્ની વેણ, દીકરા રવિ અને દીકરી રચના સાથે પ્રકાશ કોઠારી.
મમ્મીનાં આંસુએ બનાવ્યા ડૉક્ટર?
લગભગ પાલનપુરીઓ હીરા મૅન્યુફૅક્ચર કરતા હોય છે પરંતુ કોઈક વાર હીરા પ્રોડ્યુસ પણ કરે છે. મૂળ પાલનપુરના ડૉ. પ્રકાશ કોઠારીને પ્રોડ્યુસ થયેલો એ ડાયમન્ડ કહી શકો. ચાર ભાઈ, ત્રણ બહેન અને મમ્મી સાથે પાલનપુરથી મુંબઈ શિફ્ટ થયા ત્યારની વાતો કરતાં પ્રકાશભાઈ કહે છે, ‘મારા પિતાજી પ્રામાણિક ચીફ કસ્ટમ્સ ઑફિસર હતા. સંતાનો નાનાં હતાં અને તેમનાં પ્રથમ વાઇફ ગુજરી ગયાં એટલે બાળકોની સંભાળની દૃષ્ટિએ તેમણે બીજાં લગ્ન કર્યાં. હું બધાં જ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. જોકે હું લગભગ ૧૮ વર્ષનો હતો ત્યારે પપ્પા ગુજરી ગયા. મુંબઈમાં અમે ભાડા પર રહેતા હતા. એ સમયે મારા પિતાજીની ખૂબ ઇચ્છા હતી કે તેમનું એક સંતાન ડૉક્ટર બને. મારાં મોટાં બહેને પણ ખૂબ પ્રયાસ કર્યા પરંતુ તેમને ઍડ્મિશન ન મળ્યું. બીજા ભાઈઓ ભણવામાં સારા નહોતા. હું ભણવામાં હોશિયાર હતો પણ મારે મેડિસિનમાં જવું જ નહોતું. હું બિઝનેસ કરતો. મને લિટરેચરનો શોખ હતો. જોકે મારાં મમ્મીએ પિતાજીના ગયા પછી મારી સામે પ્રસ્તાવ મૂક્યો કે તું ભણવામાં હોશિયાર છે અને પિતાજીની ઇચ્છા હતી, તને મેડિકલમાં ઍડ્મિશન મળે એમ છે તો શું કામ પ્રયાસ નથી કરતો? એટલું કહેતાં મમ્મીની આંખમાં આંસુ આવ્યાં અને મેં નક્કી કર્યું કે ઠીક છે, હું ડૉક્ટર બનીશ.’
ભણવાની સાથે પોતાની ફી ભરી શકાય એ માટે કમાવું પડે એવા સંજોગો હતા એની વાત કરતાં પ્રકાશભાઈ કહે છે, ‘ભણતાં-ભણતાં મેં ડાઇ ઍન્ડ કેમિકલ્સનો બિઝનેસ કર્યો હતો. હું ટાઇટેનિયમ સપ્લાય કરતો અને સાથે કૉલેજમાં જતો. મારો પોતાનો ભણવાનો ખર્ચ નીકળી જાય એટલું તો એ સમયે પણ કમાઈ લેતો.’
યંગ એજમાં પત્ની વેણુ સાથે સાથે પ્રકાશ કોઠારી.
સેક્સોલૉજીમાં જવાનું કેમ સૂઝ્યું?
જ્યારે તમે મેડિકલ ભણતા હો ત્યારે તમારો હ્યુમન બૉડીને જોવાનો નજરિયો બદલાઈ જાય. એ સમયે સામાજિક દૃષ્ટિએ શારીરિક સંબંધની જરૂરિયાતને લોકો છાની-છપની રાખવા માગતા હોય કે ટૅબૂ તરીકે જોતા હોય પણ ડૉક્ટરની દૃષ્ટિએ એ પણ શરીરની અવસ્થા છે. પ્રકાશભાઈને પોતાની ઇન્ટર્નશિપમાં આ વાત સમજાઈ રહી હતી. તેઓ કહે છે, ‘જુઓ, બહુ પ્રામાણિકતા સાથે કહું તો સેક્સ્યુઅલ મેડિસિન્સમાં જવાનાં બે કારણો હતાં. પહેલું, મેં મારા મિત્રવર્તુળમાં ફ્રેન્ડ્સમાં એક વસ્તુ જોઈ હતી કે ડૉક્ટરો પોતે પણ પોતાના સેક્સ્યુઅલ પ્રૉબ્લેમને ખૂબ જ કૅઝ્યુઅલી જોતા. ‘એ સમય સાથે સારું થઈ જશે’ અને ‘આવું તો થાય’ કહીને વાતો ઉડાવી દેતા. કોઈની પાસે સાચું માર્ગદર્શન આપનારી વ્યક્તિ નહોતી. ઘણાં લગ્નજીવનો તૂટવા પાછળ આ મુખ્ય કારણ છે એ સમજાઈ રહ્યું હતું એટલે થયું કે આ દિશામાં કામ કરવા જેવું ખરું. બીજું, મને શેરો-શાયરીનો શોખ અને મુશાયરાના કાર્યક્રમો મોટા ભાગે સાંજે હોય. ડૉક્ટર તરીકે જો હું આ શાખાને પસંદ કરું તો ઇમર્જન્સીની સંભાવના ન રહે. આ સમસ્યા રાહ જોઈ શકે એટલે મેં નક્કી કર્યું કે હું મારા શોખને માણી શકું અને જીવનને એન્જૉય પણ કરી શકું.’
પરેલની KEM હૉસ્પિટલમાં સેક્સ્યુઅલ મેડિસિન ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો ત્યારે શરૂઆતમાં કેટલાક ડૉક્ટરોને જ શંકા હતી કે અહીં કોણ આવશે, પણ પ્રકાશભાઈએ ઑન રેકૉર્ડ માત્ર KEMમાં ૫૫,૦૦૦ દરદીઓને તપાસ્યા છે અને પ્રાઇવેટ પ્રૅક્ટિસના પેશન્ટ અલગ. તેઓ કહે છે, ‘આજ દિવસ સુધી મેં મારા ક્લિનિકનું બોર્ડ નથી માર્યું. કોઈ પબ્લિસિટી નહીં. માત્ર રિફર થયેલા દરદીઓને જ તપાસવાના. મારી પ્રૅક્ટિસમાં મેં દરદીઓને દિલથી તપાસ્યા છે. તેમનું દરદ દૂર ન થાય ત્યાં સુધી તેમને છોડવાના નહીં. ‘કેવળ દવાથી રોગ અમારો નહીં મટે; સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં...’ આ શેરને હું મારી પ્રૅક્ટિસમાં જીવ્યો છું. મારા પેશન્ટ આજે પણ મને મહોબ્બતથી યાદ કરે છે.’
પોતાની શરતો પર કર્યું કામ
આજે પણ એવું છે અને ત્યારે પણ હતું કે ડૉક્ટર બીજા ડૉક્ટરને પેશન્ટ રિફર કરે તો તેમને કમિશન આપવું પડતું. પ્રકાશભાઈ કહે છે, ‘હું એ પ્રૅક્ટિસમાં માનતો નહીં. કમિશન લેવાનું નહીં અને કમિશન આપવાનું નહીં. ત્યારે એક અગ્રણી ડૉક્ટરે મને ગાંડો ગણ્યો હતો અને હું લાંબું ટકીશ નહીં એવું માન્યું હતું. જોકે એ જ ડૉક્ટર પોતાના જમાઈને લઈને મારી પાસે આવ્યા હતા અને કહી રહ્યા હતા કે તેમના અંગત જીવનની સમસ્યાનું સમાધાન આવે એવું કંઈક કરો અને આમના છૂટાછેડા અટકાવી દો. દેશ-વિદેશના તમામ કૅટેગરીના દરદીઓ આવ્યા છે. નેતાથી લઈને અભિનેતા, વિદેશી કલાકારોથી લઈને ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પણ આ સમસ્યા સાથે દરદી બનીને આવ્યા છે અને સમાધાન મેળવીને રાજી થઈને પાછા પણ ગયા છે.’
અહીં ઉલ્લેખનીય છે કે ડૉ. પ્રકાશ કોઠારીએ કપલ વચ્ચેની અંગત જીવનની સમસ્યાઓને દૂર કરીને મિનિમમ પ૦૦ લગ્નોને તૂટતાં અટકાવ્યાં છે. જોકે સેક્સ્યુઅલ મેડિસિનની પ્રૅક્ટિસ શરૂ કરી એ પહેલાં ત્રણસો રૂપિયા પગારમાં કાલબાદેવીમાં પંદર ડૉક્ટરની ટીમમાં પોતે પણ એક ડૉક્ટર તરીકે જોડાયા અને હજારો પેશન્ટને જનરલ પ્રૅક્ટિશનર તરીકે કન્સલ્ટ કર્યા. એ પછી બારસો રૂપિયાનો પગાર ઑફર થતાં એ જૉબ છોડીને ભાંડુપમાં એક કંપનીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે પણ છ-સાત મહિના કામ કર્યું હતું. તેઓ કહે છે, ‘એ સમયે મેં મારા જ એક દરદી પાસેથી લગભગ સવા લાખમાં સુખસાગર પાસેનું મારું અત્યારનું ક્લિનિક ખરીદ્યું હતું. ત્યારે મારી પાસે હતા માંડ પંદર-વીસ હજાર રૂપિયા. હું ત્યારે રહેતો ભાડા પર, પણ ક્લિનિક પોતાનું ખરીદ્યું હતું. જેમની પાસેથી મકાન ખરીદ્યું તેમની સાથે સંબંધો ખૂબ સારા એટલે મેં કહેલું કે દર વર્ષે થોડા-થોડા પૈસા આપીશ, દસ વર્ષમાં ફુલ પેમેન્ટ ચૂકવી દઈશ. તેને પણ પૂરો ભરોસો. જોકે દસ વર્ષને બદલે ત્રણ વર્ષમાં જ પૂરા પૈસા ચૂકવી દીધા હતા. આજે પણ ક્લિનિક એ જ જગ્યાએ છે.’
ઘરે કોઈને વાંધો નહોતો?
સામાજિક રીતે જે શબ્દ બોલતાં લોકોને છોછ થાય એવા ક્ષેત્રમાં જૈન પરિવારનો દીકરો જાય એ સ્વીકાર્ય કેવી રીતે બન્યું? એનો જવાબ આપતાં પ્રકાશભાઈ કહે છે, ‘ઘરમાં બધાને એટલી જ ખબર કે હું ડૉક્ટર છું, પણ આવી કોઈ શાખામાં કામ કરું છું એની કલ્પના નહીં. પ્રૅક્ટિસ શરૂ કર્યાનાં લગભગ દસ-બાર વર્ષ પછી મારાં મમ્મીએ મને અવૉર્ડ મળી રહ્યો હોય એવો એક ફોટો એક ગુજરાતી અખબારમાં જોયો. અવૉર્ડ આપનારા હતા ડૉ. બી. એન. પુરંદરે. આ ડૉક્ટરે જ મમ્મીની સર્જરી કરી હતી અને તેમના હાથે મને અવૉર્ડ મળતો જોઈને તેને ખુશી તો થઈ પણ પછી તેણે અંદર કંઈક વાંચ્યું એટલે મને પૂછે કે મેં આજે તારો ફોટો જોયો, તને અવૉર્ડ મળ્યો પણ આમાં આ શું લખ્યું છે? મારાં મમ્મીને એમ હતું કે હું ગાયનેકોલૉજિસ્ટ છું. મેં કહ્યું, હા હું આ જ કરું છું. જોકે એ પછી લાંબી ચર્ચા કર્યા વિના મમ્મી એટલું જ બોલ્યાં કે આ ડૉક્ટર તને અવૉર્ડ આપે છે એટલે તું કંઈક સારું જ કરતો હોઈશ અને બસ, પછી એ ચર્ચા ત્યાં જ પૂરી થઈ ગઈ. ભાઈઓ વગેરેને પછી ખબર પડી પણ ત્યાં સુધી એટલું નામ બની ગયું હતું. જાહેરમાં ઘણી વાર લોકો પગે પડતા અને આભાર માનતા ત્યારે એ જોઈને તેમને થતું કે આ ક્ષેત્ર થકી પણ હું કંઈક સારું કામ કરી રહ્યો છું.’
અને થયો પ્રેમ
જ્યાં પ્રકાશભાઈની કારકિર્દી બની એ જ જગ્યાએથી તેમને પોતાની
લાઇફ-પાર્ટનર પણ મળી. હંમેશથી થોડાક નટખટ સ્વભાવ વચ્ચે પોતાની જીવનસંગિનીને પહેલી જ નજરે જોઈને પ્રેમમાં પડ્યા હોવાનું પ્રકાશભાઈ કબૂલે છે. તેઓ કહે છે, ‘મારું ક્લિનિક હતું એની બાજુમાં જ ડૉ. એમ. એ. વલીનું ક્લિનિક હતું જ્યાં વેણુ એટલે કે મારી વાઇફ ફિઝિયોથેરપિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતી હતી. મેં તેને જોઈ અને મને ત્યાં જ તે ગમી ગઈ. આંખોથી વાતોની શરૂઆત થઈ. તેની ફૅમિલી પણ ખૂબ એજ્યુકેટેડ હતી. જોકે તેને પટાવવા માટે મારે ખરી મહેનત કરવી પડી. સામાન્ય શરદી-ખાંસીમાં પણ મેં તેને તેના કહ્યા વિના મારી પેશન્ટ બનાવી દીધી અને તેની સારવાર શરૂ કરી. મારા મનની વાત તે સમજી ગઈ હતી. એકાદ વર્ષ આ બધું ચાલ્યું અને પછી અમારી સગાઈ થઈ. વેણુ વૈષ્ણવ પરિવારની હતી. તેના ઘરેથી થોડોક સંઘર્ષ થયો. મારી બાનું તો એટલું જ હતું કે બસ, હવે તું પરણ. મારામાં ગટ્સ હતા અને આજે પણ છે. વેણુ મને જીવંત ગઝલ જેવી લાગતી. સરળ છતાં સટીક. તે ખૂબ સ્ટ્રેટફૉર્વર્ડ અને તેના સરળતા સાથેના ઇનોસન્સ પર મારું દિલ આવી ગયું. દેખાવે તો સુંદર ખરી જ. હું કહી શકું કે આજે ૪૩ વર્ષના લગ્નજીવન પછી પણ અમે સાથે છીએ. અફકોર્સ, મારી કારકિર્દીને હું આગળ વધારી શક્યો એમાં વેણુનો ખૂબ મોટો હાથ છે. હું મારા કાર્યક્રમોમાં અને પ્રૅક્ટિસમાં વ્યસ્ત હતો ત્યારે વેણુએ અમારા સંસારને નિભાવવાનું, મારા દીકરા રવિ અને દીકરી રચનાને ઉછેરવાનું કામ સુપેરે નિભાવ્યું છે. આજે તમારા માધ્યમે વેણુને મારે એક શેર ડેડિકેટ કરવો છે, ‘તુમ્હારે બગૈર ગુઝરી વો ઉમ્ર થી, તુમ્હારે સાથ ગુઝરી વો ઝિંદગી...’
ધારો કે...
ધારો કે તમને કોઈ પણ ઐતિહાસિક વ્યક્તિ સાથે એક કપ ચા પીવાની તક મળે તો એ વ્યક્તિ કોણ હશે અને તેને સૌથી પહેલો પ્રશ્ન શું પૂછશો? ખલીલ જિબ્રાન. હા, મને તેમની નવલિકા અને ટૂંકી વાર્તાઓ ખૂબ ગમતાં. તક મળે તો હું તેમને તેમની પહેલી મહોબ્બત વિશે પૂછું. ધારો કે તમે પાછા પચીસ વર્ષના થઈ જાઓ તો કઈ વસ્તુની ઇચ્છા રાખો?
હું ઇચ્છું કે જે મિત્રો મને મોડા મળ્યા એ થોડા વહેલા મળી જાય. જેમ કે મારા શેરો-શાયરીમાં હું જેમનો ચાહક છું એવા અહમદ ફરાઝ, શૂન્ય પાલનપૂરી, કૃષ્ણબિહારી નૂર, કતિલ શિફાઈ જેવા મિત્રો જો વહેલા મળ્યા હોત તો મારું જીવન હજી વધુ બહેતર હોત. ધારો કે તમારે તમારી જાતને દર્શાવવા માટે એક શેર કહેવાનો હોય તો? ન જાને કિસકી દુઆઓં કા અસર હૈ યે, કિ મૈં ડૂબતા હૂં તો દરિયા ઉછાલ દેતા હૈ... ખરેખર આ શેર મારા જીવનને જ પ્રગટ કરે છે. હું માનું છું કે ઉપરવાળાએ મને ખૂબ નસીબદાર બનાવ્યો. જ્યારે-જ્યારે સંઘર્ષ આવ્યો ત્યારે એમાંથી ઉગારનારાઓ મળતા રહ્યા અને હું ડૂબવાને બદલે તરતો-તરતો કિનારે પહોંચી ગયો.
ધારો કે તમે તમારી આત્મકથા લખો તો એનું શીર્ષક શું હશે? ‘જીવનોત્સવ’ – કારણ કે હું ખરેખર જીવનને ઉત્સવની જેમ જ જીવ્યો છું. ધારો કે તમે ડૉક્ટર ન હોત તો? મારો લોકોને મદદ કરવાનો નેચર રહ્યો છે એટલે જો હું ડૉક્ટર ન હોત તો સોશ્યલ વર્કર હોત.
યાદ છે એક કિસ્સો
આમ તો દુનિયાભરના અને ખૂબ હાઈ પ્રોફાઇલ દરદીઓને ડૉ. પ્રકાશ કોઠારી તેમની સમસ્યાનું સમાધાન આપી ચૂક્યા છે. જોકે એક કિસ્સો છે જે તેઓ ક્યારેય ભૂલી નથી શકવાના. એનું વર્ણન કરતાં તેઓ કહે છે, ‘કેટલીયે સેલિબ્રિટીઝની રાતો મારા દિવસો પર આધાર રાખે છે. જાણીતા ગઝલકાર જગજિત સિંહ પાકિસ્તાનના એક મશહૂર લિરિક્સ રાઇટરને લઈને આવ્યા હતા. તેમની બેગમ પાકિસ્તાનમાં, પણ તેમની સાથે તેમની ઉંમર કરતાં ચોથા ભાગની ઉંમર ધરાવતી એક યુવતી હતી જે તેમની ગર્લફ્રેન્ડ હતી. એ મહાશય બોલ્યા કે મને તો પ્રૉબ્લેમ નથી લાગતો પણ બેગમ સાહિબાને લાગ્યું કે તમને મળવું જોઈએ એટલે આવ્યા છીએ. મહાશય માટે સ્ત્રી એટલે બેબી-પ્રોડ્યુસિંગ મશીન હતું. તેની ઇચ્છાઓ કે તૃપ્તિની તેમને પડી નહોતી. એ પછી એ લેડીને મેં ખૂબ પૂછ્યું પણ તે કંઈ બોલી ન શકી. જો સમસ્યા કહેશો નહીં તો ઇલાજ કેમ કરીશ? પણ એ પછીયે તે બોલી ન શકી. છેલ્લે ખૂબ મર્મજ્ઞ રીતે તેણે કહ્યું, બાત સમઝો તો યહી કહૂંગી કિ બાત કુછ ઐસી હૈ, વો તો નહાકે ચલ લિએ, લહરેં તડપતી રહ ગયીં. તેની આ બે લાઇન પાછળનો મર્મ હું સમજી ગયો અને પછી એ મહાશયને સમજાવ્યા અને પ્રૉબ્લેમ સૉલ્વ થયો, પણ આ એક કિસ્સો હજારો પેશન્ટમાંથી હું ક્યારેય નહીં ભૂલી શકું.’
મિત્રએ ભેટ આપી જમીન અને પિકાસોનાં પેઇન્ટિંગ્સ
વિશ્વવિખ્યાત ઑથર પદ્મભૂષણ મુલ્કરાજ આનંદ ડૉ. પ્રકાશ કોઠારીના ખાસ મિત્ર અને ચાહક. તેમનાં ઘણાંબધાં શો, કૉન્ફરન્સ અને એક્ઝિબિશન મુલ્કરાજ આનંદે ક્યુરેટ કર્યાં છે. જોકે તેમણે આપેલી ભેટને ડૉ. પ્રકાશ કોઠારી ક્યારેય ભૂલી નહીં શકે. તેઓ કહે છે, ‘અમારી વચ્ચે ખૂબ વાતો થતી. શેરો-શાયરી અમારા બન્નેનો કૉમન ઇન્ટરેસ્ટ. ઘણી વાર તેમની સાથે તેમના ફાર્મ પર જતો. હું આજે પણ યાદ કરું તો મારી આંખોમાં ભીનાશ તરવરે છે કે એ મારા મિત્રએ મને પિકાસોનાં સ્વયં પિકાસોએ જ તેમને આપેલાં ત્રણ કીમતી ચિત્રો ભેટમાં આપ્યાં અને સાથે ખંડાલામાં મારા નામે તેમણે જમીન પણ કરીને એ પણ ભેટમાં આપી. એ લૅન્ડનો ટૅક્સ સુધ્ધાં તેમણે ભરી દીધો હતો. તેમનું એક પુસ્તક તેમણે મને ડેડિકેટ કરેલું. મેં ખૂબ ઇમોશન્સ સાથે તેમને કહેલું, ‘વાય મી?’ અને તેમણે એટલી જ હૂંફ સાથે જવાબ આપેલો, ‘વાય નૉટ યુ?’ અને ખરેખર મારી આંખો ભીની થઈ ગઈ હતી.’

