લોનાવલાની ચોંકાવનારી ઘટના
પ્રતીકાત્મક તસવીર
પૌત્ર સાથે પ્રૉપર્ટી બાબતે ચાલતા વિવાદને પગલે લોનાવલામાં ૮૩ વર્ષના દાદાએ ૩૩ વર્ષના પૌત્રને ગોળી મારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સોમવારે બની હતી. શરૂઆતમાં જેને પોલીસ અકસ્માત માની રહી હતી એ ખરેખર હત્યા હોવાનું પછીથી જણાયું હતું. પૌત્રને ગોળીએ દેનારા દાદાનું નામ મોતીરામ મરાઠે હોવાનું તથા તે લોનાવલા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ નગરસેવક તથા શિવસેના (UBT) સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે મૃત્યુ પામનારા તેમના પૌત્રનું નામ અભય મરાઠે હોવાની માહિતી પોલીસે આપી હતી.
લોનાવલાના ભુશીમાં આવેલી હોટેલ મોતીરામમાં આ ઘટના બની હતી. રાઇફલ સાફ કરતી વખતે થયેલા મિસફાયરને કારણે અભયને ગોળી વાગી હોવાથી તે જખમી થયો હોવાથી તેને લોહીલુહાણ હાલતમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ લોનાવલા સિટી પોલીસ ત્યાં પહોંચી હતી અને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ, હોટેલના સ્ટાફે ખોલ્યું રહસ્ય
અભયના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું ત્યાર પછી એનો રિપોર્ટ પોલીસને મળતાં તેમને ભૂલથી રાઇફલમાંથી ગોળી છૂટી હોવાની વાત પર શંકા ગઈ હતી. પોલીસે ગોળીના નિશાનની ઝીણવટપૂર્વક તપાસ કરતાં તેમની શંકા વધી હતી. ગોળીના નિશાન પરથી તે ભૂલથી વાગી હોવાનું પોલીસના ગળે ન ઊતરતાં તેમણે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. ગ્રામીણ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને લોનાવલા સિટી પોલીસે ઘટના વખતે હોટેલમાં વેઇટર સહિત જે સ્ટાફ હાજર હતો તેમની પૂછપરછ કરતાં તેમણે વટાણા વેર્યા હતા. હોટેલના સ્ટાફે પોલીસને આ ઘટના કોઈ અકસ્માત ન હોવાનું અને અભયના દાદા મોતીરામ મરાઠેએ તેને ગોળી મારી હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોકે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
