હાલમાં રાજ્ય સરકાર મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સપોર્ટ ટેક્નૉલૉજી, મુંબઈમાં ટ્રાન્સપોર્ટ માટેની મિત્ર ઍપ અને અન્ય પ્રાઇવેટ ફર્મ સાથે ચર્ચા કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકાર પોતાની જ ઍપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરવા વિશે વિચારણા કરી રહી છે જેના અંતર્ગત રિક્ષા, ટૅક્સી અને ઈ-બાઇક માટે સર્વિસ આપવામાં આવશે. પૅસેન્જર્સ અને ડ્રાઇવર્સ બન્ને માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય અને પ્રાઇવેટ ક્ષેત્રની મોનોપૉલી તૂટે એ માટે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તરફથી મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે.
પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ‘હાલમાં રાજ્ય સરકાર મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સપોર્ટ ટેક્નૉલૉજી, મુંબઈમાં ટ્રાન્સપોર્ટ માટેની મિત્ર ઍપ અને અન્ય પ્રાઇવેટ ફર્મ સાથે ચર્ચા કરી રહી છે. નવી ઍપ માટે જય મહારાષ્ટ્ર, મહા-રાઇડ, મહા-યાત્રી અને મહા-ગો નામ સૂચવવામાં આવ્યાં છે.’
ADVERTISEMENT
આ પ્લૅટફૉર્મ સાથે જોડાવા માગતા યુવાનોને સરકાર આર્થિક સહાય પણ કરશે જેના માટે વાહનો ખરીદવા બૅન્કમાંથી ૧૦ ટકાના વ્યાજે લોન ઉપલબ્ધ થશે તેમ જ સ્ટેટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા ૧૧ ટકાની લોન સબસિડી આપવામાં આવશે જેથી લોન મોટા ભાગે વ્યાજમુક્ત બની રહેશે. પાંચમી ઑગસ્ટે મંત્રાલયમાં આ ઍપની ડિઝાઇન બાબતે નિર્ણય લેવા બેઠક યોજાશે.

