Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > MMR બનશે મહારાષ્ટ્રના વિકાસનું એન્જિન

MMR બનશે મહારાષ્ટ્રના વિકાસનું એન્જિન

Published : 11 March, 2025 09:12 AM | Modified : 12 March, 2025 06:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલના બજેટમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં BKC જેવા નવાં ૬ બિઝનેસ સેન્ટર તૈયાર કરવાની કરવામાં આવી જાહેરાત : ૨૦૩૦ સુધીમાં MMRની ઇકૉનોમી ડબલથી વધારે કરવાનો છે ઇરાદો

ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવાર બજેટ રજૂ કરતાં પહેલાં.

ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવાર બજેટ રજૂ કરતાં પહેલાં.


રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ફાઇનૅન્સ મિનિસ્ટર અજિત પવારે ગઈ કાલે રજૂ કરેલા બજેટમાં ખેડૂતોની સરખામણીએ રાજ્યને વિકસિત મહારાષ્ટ્ર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને આ જ કારણસર સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી પણ દીધું હતું કે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) મહારાષ્ટ્રના વિકાસનું એન્જિન બનશે.


સરકારે MMRને ગ્રોથ હબ ગણાવીને અહીં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ની જેમ જ બીજાં છ ઇન્ટરનૅશનલ લેવલનાં બિઝનેસ સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે જેમાં કુર્લા-વરલી, વડાલા, ગોરેગામ, નવી મુંબઈ, ખારઘર અને વિરાર-બોઇસરનો સમાવેશ છે. સરકાર MMRની ઇકૉનૉમીને અત્યારના ૧૪૦ બિલ્યન ડૉલરથી ૨૦૩૦ સુધીમાં ૩૦૦ બિલ્યન ડૉલર સુધી લઈ જવા માગે છે.



આ સિવાય પાલઘરમાં વાઢવણ પોર્ટ પાસે ત્રીજું ઍરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે એટલું જ નહીં, આ પોર્ટ પાસે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ બનાવવામાં આવશે તેમ જ આ બંદરને સમૃદ્ધિ મહામાર્ગ સાથે પણ કનેક્ટ કરવાની યોજનાની માહિતી સરકાર તરફથી આપવામાં આવી હતી.


વિકસિત ભારત, વિકસિત મહારાષ્ટ્રનું સપનું પૂરું કરવાના ધ્યેય સાથે બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનો દાવો એકનાથ શિંદેએ કર્યો હતો, જ્યારે અજિત પવારના બજેટનાં વખાણ કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જે રીતે વડા પ્રધાનનો ટાર્ગેટ ૨૦૪૭ સુધીમાં ભારતની ઇકૉનૉમી પાંચ ટ્રિલ્યન ડૉલર બનાવવાનો છે એવી જ રીતે MMRને ડેવલપ કરીને ૨૦૪૭ સુધીમાં એની ઇકૉનૉમીને ૧.૫ ટ્રિલ્યન ડૉલર સુધી લઈ જવાની અમારી ઇચ્છા છે અને એ દિશામાં અમે કામ શરૂ કરી દીધું છે.’

MMRના મહત્ત્વના મુદ્દા


 નવી મુંબઈમાં ૨૫૦ એકર જમીન પર ઇનોવેશન સિટી તૈયાર કરવામાં આવશે.

 થાણેથી નવી મુંબઈ વચ્ચે એલિવેટેડ રૂટ પણ તૈયાર કરવામાં આવશે.

 ૧૮,૧૨૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો ૧૪ કિલોમીટર લાંબો બાંદરા-વર્સોવા સી-લિન્ક પ્રોજેક્ટ ૨૦૨૮ના મે મહિનામાં પૂરો થશે.

 બહુ જ જલદી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું કામ હાથ ધરવામાં આવશે.

 નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોટમાં આવતા મહિનાથી ડોમેસ્ટિક ફ્લાઇટનું ઑપરેશન્સ શરૂ થઈ જશે.

આગામી પાંચ વર્ષમાં મુંબઈ, પુણે અને નાગપુરમાં વધુ ૧૪૩ કિલોમીટરની મેટ્રો લાઇન ફંક્શનલ થઈ જશે.

ઓવરઑલ બજેટના મહત્ત્વના મુદ્દા

 ૨૦૨૫ માટે રાજ્ય સરકાર બહુ જ જલદી નવી ઇન્ડસ્ટ્રિયલ પૉલિસીની જાહેરાત કરશે. આ પૉલિસી જાહેર થયા બાદ રાજ્યમાં ૪૦ લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવવાની ધારણા છે અને એના લીધે આગામી પાંચ વર્ષમાં ૫૦ લાખ નોકરીઓ ઊભી થશે.

 રાજ્યમાં ૧૦,૦૦૦ એકર જમીન પર લૉજિસ્ટિક માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે.

 ગડચિરોલીને સ્ટીલ હબ બનાવવા માટે જિલ્લામાં ટ્રાન્સપોર્ટની સુવિધા સુધારવામાં આવશે અને એના માટે પહેલા તબક્કામાં ૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

 ઓછી કિંમતની ગ્રીન એનર્જી અને એનર્જી સેક્ટરમાં પ્રૉપર પ્લાનિંગને લીધે આગામી પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિસિટીની ખરીદીમાં ૧.૧૩ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની સરકારની અપેક્ષા છે.

 ખેતીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવાથી એક લાખ એકર જમીનમાં ૫૦,૦૦૦ જેટલા ખેડૂતોને એનો ફાયદો થશે.

 આગામી પાંચ વર્ષમાં બધાને ઘર મળી રહે એના માટે બહુ જ જલદી સરકાર નવી હાઉસિંગ પૉલિસીની જાહેરાત કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના બીજા તબક્કામાં ૨૦ લાખ ઘરને માન્યતા મળી ગઈ છે અને સરકાર આ ઘરોના કન્સ્ટ્રક્શન માટે વધુ ૫૦,૦૦૦ રૂપિયા સબસિડી આપશે.

 સાઇબર સિક્યૉરિટી માટે મહારાષ્ટ્ર સાઇબર ક્રાઇમ સિક્યૉરિટી કૉર્પોરેશનની સ્થાપના કરવામાં આવશે.

 રાજ્યમાં નવી ૧૮ કોર્ટની રચના કરવામાં આવશે.

 ૨૦૨૭માં નાશિકમાં થનારા સિંહસ્થ કુંભમેળા માટે સ્પેશ્યલ ઑથોરિટી બનાવવામાં આવશે. નાશિકમાં રામકાળ પથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રામકુંડ, કાળારામ મંદિર અને ગોદાવરીના તટના ડેવલપમેન્ટ માટે ૧૪૬.૧૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

દાદા, ક્યા હુઆ તેરા વાદા?

બજેટમાં લાડકી બહિણને દર મહિને વધારાના ૬૦૦ રૂપિયા આપવા બાબતે કંઈ કહેવામાં આવ્યું ન હોવાથી કૉન્ગ્રેસના નેતાએ ફાઇનૅન્સ મિનિસ્ટર અજિત પવારને પૂછ્યો પ્રશ્ન

ગયા વર્ષે ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યનાં મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન અદિતિ તટકરેને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે લાડકી બહિણને ૧૫૦૦ને બદલે ૨૧૦૦ રૂપિયા ક્યારથી મળશે ત્યારે તેમણે કહ્યું હતું કે આના માટે બજેટમાં જોગવાઈ કરવી પડશે જે બજેટમાં કરવામાં આવશે અને ત્યાર બાદ લાડકી બહિણને દર મહિને વધારાના ૬૦૦ રૂપિયા મળવાના શરૂ થઈ જશે. જોકે રાજ્ય સરકારની તિજોરી પર અત્યારે જ આ સ્કીમને લીધે બોજો વધી ગયો હોવાથી ગઈ કાલના બજેટમાં ફાઇનૅન્સ મિનિસ્ટર અજિત પવારે આ બાબતે એક હરફ પણ નહોતો ઉચાર્યો એટલું જ નહીં, મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના માટે કેટલા રૂપિયાનું પ્રોવિઝન બજેટમાં કરવામાં આવ્યું છે એનો આંકડો જ તેમણે કહ્યો હતો. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની ૨,૫૩,૦૦,૦૦૦ મહિલાઓને ૩૩,૨૩૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ૨૦૨૫-’૨૬ માટે સરકારે આ યોજના માટે કુલ ૩૬,૦૦૦ કરોડ રૂપિયાનું પ્રોવિઝન કર્યું છે. આ જોતાં સરકાર લાડકી બહિણને ૨૧૦૦ રૂપિયા આપે એવું લાગતું નથી.

આ જ કારણસર ગઈ કાલે વિધાનભવનમાં કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે મહાયુતિ પર શાબ્દિક પ્રહાર કરતાં અજિત પવારને પૂછ્યું હતું કે દાદા, ક્યા હુઆ તેરા વાદા? ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે ‘આ તો રાજ્યની બહેનો સાથે સરકારે ગદ્દારી કરી કહેવાય. તેમના મત મેળવી લીધા, પણ જે વાયદો કર્યો હતો એના વિશે હવે કંઈ બોલતા પણ નથી.’

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK