NCPના સદ્ગત નેતા આર. આર. પાટીલનો ૨૫ વર્ષનો પુત્ર રોહિત પાટીલ સૌથી યંગ
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોની નવી પેઢીના ૨૫ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. એમાંથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના સદ્ગત નેતા આર. આર. પાટીલના ૨૫ વર્ષના પુત્ર રોહિત પાટીલ સહિત ૧૧ યુવા નેતાઓનો વિજય થયો છે. રોહિત પાટીલ તાસગાંવ બેઠક પરથી ચૂંટાઈ આવ્યો છે. તે નવી વિધાનસભાનો સૌથી યંગ વિધાનસભ્ય છે. રોહિત પાટીલે ૨૦૧૪ અને ૨૦૧૯ એમ બે વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા NCPના પીઢ નેતા સંજયકાકા પાટીલને ૨૭,૬૪૪ મતના માર્જિનથી હરાવ્યા હતા.
રોહિત પાટીલ સહિત ૨૫ યુવા નેતાઓએ વિવિધ પક્ષોમાંથી ચૂંટણી લડી હતી. એમાંથી ૧૧ ચૂંટાઈ આવ્યા છે. આ વિજેતાઓમાં મહાયુતિના ૯ તો મહા વિકાસ આઘાડીના ૨ નેતાનો સમાવેશ છે. મહાયુતિમાં ખાનાપુર બેઠક પરથી સદ્ગત વિધાનસભ્ય અનિલ બાબરનો પુત્ર સુહાસ બાબર, પૈઠણ બેઠક પરથી સંદીપાન ભુમરેનો પુત્ર વિકાસ ભુમરે, કન્નડ બેઠક પરથી રાવસાહેબ દાનવેની પુત્રી સંજના જાધવ, એરંગલ બેઠક પરથી વિધાનસભ્ય ચીમનરાવ પાટીલનો પુત્ર અમોલ પાટીલ, ઇચલકરંજી બેઠક પરથી BJPના રાહુલ અવાડેનો પુત્ર પ્રકાશ અવાડે, ભોકર બેઠક પરથી BJPના રાજ્યસભાના સંસદસભ્ય અશોક ચવાણની પુત્રી શ્રીજયા ચવાણ, રાવેર બેઠક પરથી સદ્ગત સંસદસભ્ય હરિભાઉ જવાળેનો પુત્ર અમોલ જવાળે, અણુશક્તિનગર બેઠક પરથી નવાબ મલિકની પુત્રી સના મલિક, સાવનેર બેઠક પરથી રણજિત દેશમુખનો પુત્ર અમોલ દેશમુખ ચૂંટાઈ આવ્યાં છે. આવી જ રીતે મહા વિકાસ આઘાડીમાં બાંદરા-ઈસ્ટ બેઠક પરથી વરુણ સરદેસાઈ અને સંગોલે બેઠક પરથી પીઝન્ટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટીના બાબાસાહેબ દેશમુખ ચૂંટાઈ આવ્યા છે.