ઉદ્ધવ ઠાકરેએ પક્ષના વિવિધ પ્રમુખોની બેઠક બોલાવી
ઉદ્ધવ ઠાકરે
શિવસેનાના વર્ધાપન દિને ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે યુતિ કરવાનો અણસાર આપ્યો હતો. હવે ગઈ કાલે તેમણે તેમના વડપણ હેઠળની શિવસેનાને મજબૂત કરવા પક્ષના જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને સંપર્ક પ્રમુખની બેઠક લીધી હતી એમાં પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે.
ઑક્ટોબર-નવેમ્બરમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની અને અન્ય મહત્ત્વની મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અન્ય સુધરાઈઓની નગરપાલિકાઓની ચૂંટણીઓ આવે છે. ઉદ્ધવ ઠાકરેએ તેમને કહ્યું હતું કે ‘આપણે MNS સાથે યુતિ કરવા સકારાત્મક છીએ એ જાહેરમાં કહ્યું જ છે, પણ તમે સ્થાનિક સ્તરે પરિસ્થિતિનો ક્યાસ કાઢો. આપણી તાકાત અને સ્થાનિક ગણિત જોતાં યુતિ કરવી યોગ્ય રહેશે કે કેમ એની માહિતી મને એક મહિનામાં આપજો.’
ADVERTISEMENT
BMC પર વર્ચસ કાયમ રાખવા શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે- UBT) ઉત્સુક છે અને એ માટે એણે MNS સાથે પણ યુતિ કરવાની તૈયારી બતાવી છે. યુતિ સંદર્ભે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બન્નેએ સકારાત્મક નિવેદનો આપ્યાં છે. જોકે એ બાબતે પછી આગળ કોઈ ઠોસ હિલચાલ થઈ નથી એટલે હજી પણ આ બાબતે સંભ્રમ હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.

