નવાં ૩૨૮ લાઇસન્સ આપશે રાજ્ય સરકાર
પ્રતીકાત્મક તસવીર
પ૦ વર્ષથી દારૂની દુકાન માટે નવાં લાઇસન્સ આપવામાં આવતાં નહોતાં, પણ હવે રાજ્યની આવક વધારવા માટે રાજ્ય સરકારે નવાં ૩૨૮ લાઇસન્સ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યની આવક કઈ રીતે વધી શકે એની ભલામણ કરવા એક સમિતિ બનાવવામાં આવી હતી. એણે કરેલી ભલામણને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની આવકમાં હાલ પણ દારૂ પરની એક્સાઇઝ ડ્યુટી ચોથા ક્રમે છે જેની આવક હાલ વર્ષે દહાડે ૪૩,૦૦૦ કરોડ રૂપિયા છે. આ નિર્ણય જો અમલમાં મુકાય તો ૧૪,૦૦૦ કરોડથી વધવાની શક્યતા છે.
મૂળમાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ’ જેવી દર મહિને કૅશનો ડાયરેક્ટ આઉટફ્લો કરતી સ્કીમને લીધે આવક અને જાવક બન્ને બૅલૅન્સ કરવું મુશ્કેલ પડી રહ્યું હોવાથી એને કઈ રીતે આવક વધારીને બૅલૅન્સ કરી શકાય એ માટેના પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે.
ADVERTISEMENT
જોકે આના ઉગ્ર પ્રત્યાઘાત પણ પડ્યા છે. આ જે કમિટી હતી એ ખુદ રાજ્યના નાણાપ્રધાન અજિત પવારના વડપણ હેઠળ બનાવવામાં આવી હતી. વળી અજિત પવારની નજીકના અનેક લોકો બારામતીમાં લિકર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. એથી વિરોધીઓ દ્વારા એેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આમ કરીને એ લિકર કંપનીઓને આડકતરો ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.
હાલ રાજ્યમાં ૧૯૭૪થી લઈને અત્યાર સુધીમાં ૧૭૧૩ લાઇસન્સ ધરાવતી લિકર-શ઼ૉપ છે. આમ મહારાષ્ટ્રમાં દર દોઢ લાખની વસ્તી સામે એક લિકર-શૉપ છે. નવા નિયમ મુજબ લાઇસન્સ લીઝ પર પણ આપી શકાશે. જૂનું લાઇસન્સ ખરીદવા ઓપન માર્કેટમાં ૧૦ કરોડ આપવા પડે છે, જ્યારે નવું લાઇસન્સ ૧ કરોડમાં મળશે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. રાજગોપાલ દેવરાએ કહ્યું છે કે ‘રાજ્યનો ભૌગોલિક વિસ્તાર અને વધતી જતી વસ્તીને જોતાં નવાં લાઇસન્સ આપવા એ વાજબી હતું અને જરૂરી પણ હતું.’

