ક્રાઇમ બ્રાન્ચે આ પૈસા શોધવા દિવસ-રાત એક કરીને આરોપીની ધરપકડ કરી અને ૬,૫૨,૦૦૦ રૂપિયા રિકવર કર્યા : માત્ર સફેદ કલરની થેલી પરથી કેસ સૉલ્વ કર્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
લોકલ ટ્રેનની રૅક પર રાખેલી ૭,૭૭,૭૭૭ રૂપિયાની થેલી લઈને નાસી જનાર ૨૦ વર્ષના શિવકુમાર મૌર્યની રેલવે ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે વસઈમાંથી સોમવારે સાંજે ધરપકડ કરી હતી. કાંદિવલી-ઈસ્ટના આકુર્લી રોડ પર રહેતા ૬૭ વર્ષના સુરેન્દ્રકુમાર શ્રીવાસ્તવ ૧૫ મેએ દીકરીનાં લગ્ન માટેના પૈસા લઈને રામ મંદિરથી ચર્ની રોડ દાગીના લેવા જઈ રહ્યા હતા. એ દરમ્યાન ટ્રેનમાં ભીડ હોવાથી પૈસાની થેલી ટ્રેનની રૅક પર જ ભૂલીને ચર્ની રોડ ઊતરી ગયા હતા. જોકે પાછળથી તેમણે મુંબઈ સેન્ટ્રલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આશરે ૧૫૦ કરતાં વધારે ક્લોઝડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સ્કૅન કરીને આરોપીની ધરપકડ કરી હતી અને ૬,૫૨,૦૦૦ રૂપિયા રિકવર કર્યા હતા.
રેલવે ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય ખેડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે આ કેસ માત્ર સફેદ કલરની એક થેલી પરથી ક્રૅક થયો છે. આ થેલીના માધ્યમથી જ અમે આરોપી સુધી પહોંચ્યા હતા. લગ્ન માટે રાખેલા પૈસા ચોરી થઈ જતાં સિનિયર સિટિઝન ખૂબ જ નિરાશ થયા હતા. એ જોતાં અમે કોઈ પણ હાલતમાં આરોપી સુધી પહોંચવા માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. સૌથી પહેલાં અમે ચર્ચગેટથી વિરાર રેલવે-સ્ટેશન વચ્ચેના તમામ CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં હતાં. ત્યારે આરોપી ચર્ચગેટમાં સફેદ કલરની થેલીને કારણે ટ્રેસ થયો હતો. તે વસઈની ટ્રેનમાં ચડતો જોવા મળ્યો હતો એટલે અમે વસઈ રેલવે-સ્ટેશન ઉપરાંત વસઈ સિટીના CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં જેમાં આરોપી એક શૅરિંગ રિક્ષામાં બેસતો જોવા મળ્યો હતો. એટલે અમારી ટીમે વસઈનાં તમામ રિક્ષા-યુનિયનો સાથે વાત કરીને આરોપીની ઓળખવાની કોશિશ કરી હતી. ત્યારે માહિતી મળી હતી કે આરોપી તુંગારેશ્વર નજીકનો રહેવાસી છે. એટલે અમારી ટીમ ત્યાં પહોંચી હતી. જોકે ત્યાં ગીચ ચાલીઓ અને મોટી વસ્તી હતી. એમ છતાં અમારી ટીમે હાર ન માનતાં સતત ૭ દિવસ તપાસ ચલાવીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ કબૂલ કર્યું હતું કે ચર્ચગેટ ઊતરતી વખતે તેને રૅક પર બૅગ દેખાતાં તેણે ચોરી કરી લીધી હતી.’

