રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સર સંઘસંચાલક મોહન ભાગવતે સંવિધાન મુજબ આરક્ષણ મળે એ શરતે મનોજ જરાંગેને ટેકો આપ્યો હતો.
ગઈ કાલે આઝાદ મેદાનમાં અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર મરાઠા આરક્ષણ ચળવળના સમર્થકો. તસવીરો : અતુલ કાંબળે
મરાઠા આરક્ષણ માટે મેદાને ચડેલા મનોજ જરાંગે અગાઉ કરેલી જાહેરાત મુજબ આજથી મુંબઈમાં ભૂખ-હડતાળ પર ઊતરશે. હજારો સમર્થકોને લઈને જાલનાથી નીકળેલા મનોજ જરાંગેના સમર્થનમાં ગુરુવારે સવારથી જ આઝાદ મેદાનમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. પરિસ્થિતિ કાબૂમાં રહે એ માટે ગુરુવારથી જ પોલીસદળના ૧૫૦૦ જેટલા જવાનો આઝાદ મેદાનમાં તહેનાત રહ્યા હતા.
૨૬ ઑગસ્ટે જાલનાથી નીકળેલા આંદોલનકારીઓ ૨૮ ઑગસ્ટે સવારે છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થળ શિવનેરી કિલ્લા પર પહોંચ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપીને બપોરે તેઓ મુંબઈ તરફ રવાના થયા હતા. મુંબઈમાં ૨૯ ઑગસ્ટે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી જ આંદોલનને મંજૂરી મળી છે. ૫૦૦૦થી વધુ આંદોલનકારીઓ આઝાદ મેદાનમાં ભેગા નહીં થઈ શકે એવી શરતે આંદોલનને મંજૂરી મળી છે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સર સંઘસંચાલક મોહન ભાગવતે સંવિધાન મુજબ આરક્ષણ મળે એ શરતે મનોજ જરાંગેને ટેકો આપ્યો હતો. રાજ્યના મહેસૂલપ્રધાન રાધાકૃષ્ણ વિખેપાટીલે પણ સરકારનો રવૈયો થોડો નરમ પડ્યો હોય એવું જણાવીને જરાંગે મુંબઈ આવે પછી ચર્ચા કરવાની તૈયારી બતાવી હતી.
OBCના આરક્ષણમાં ભાગ પડશે તો OBC મહાસંઘ પણ કાલથી આંદોલન કરશે
મનોજ જરાંગેની માગણી મુજબ બધા જ મરાઠાઓને કુણબી ગણવામાં આવે જેથી તેમને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) આરક્ષણના લાભ મળે. આ માગણી વિરુદ્ધ OBC મહાસંઘ પણ હવે આક્રમક બન્યો છે. જો OBCના આરક્ષણમાં ભાગ પડશે તો OBC મહાસંઘ પણ શનિવારથી સાંકળી આંદોલન કરશે એવી ચીમકી OBC મહાસંઘના અધ્યક્ષ ડૉ. બબનરાવ તાયવાડેએ ઉચ્ચારી હતી.
મરાઠા કે OBC કોઈને અન્યાય નહીં થાય : દેવેન્દ્ર ફડણવીસ
મનોજ જરાંગેએ મુખ્ય પ્રધાનને આ તક ગુમાવવી ન જોઈએ એવી સલાહ આપી હતી. મરાઠા આરક્ષણને મંજૂરી આપીને તેઓ મરાઠાઓનો વિશ્વાસ જીતી શકે છે એવું મનોજ જરાંગેનું કહેવું હતું. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકશાહી અને સંવિધાનમાં માન્ય હોય એ રીતે આગળ વધવાનું અને મરાઠા કે OBCને અન્યાય ન થાય એવો રસ્તો કાઢવાનું આશ્વાસન આપ્યું છે.

