મીરા રોડમાં પોલીસે દરોડો પાડીને સાત જણની ધરપકડ કરી : ટૅક્સ ભરવાની ધમકી આપીને ડૉલર પડાવતા હતા
ફેક કૉલ સેન્ટર ચલાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા આરોપી સેન્ટ્રલ ક્રાઇમ યુનિટ પોલીસ સાથે.
મીરા રોડ ઈસ્ટમાં હાઇવે નજીકની ત્રણ જગ્યાએ બોગસ કૉલ સેન્ટર ચાલતાં હોવાની માહિતીને આધારે પોલીસે બે દિવસ પહેલાં દરોડા પાડ્યા હતા. પોલીસે હરિ ઓમ IT પાર્ક, યુનિવર્સલ આઉટસોર્સિંગ સર્વિસિસ અને ઓસવાલ હાઉસમાં કરેલી કાર્યવાહીમાં એક કરોડ રૂપિયાની કિંમતનાં ૮૫૨ હાર્ડ ડિસ્ક, હાઈ-એન્ડ સર્વર અને DVR સિસ્ટમ, લૅપટૉપ સહિત કેટલાંક ઇલેક્ટ્રૉનિક ઉપકરણ જપ્ત કરીને કૉલ સેન્ટરના સંચાલક હૈદર અલી અયુબ મન્સૂરી સહિત સાત જણની ધરપકડ કરી હતી. ત્રણેય કૉલ સેન્ટર મળીને દરરોજ એકથી દોઢ કરોડ રૂપિયાની કમાણી કરતાં હોવાનું સેન્ટ્રલ યુનિટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જણાઈ આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ ફેક કૉલ સેન્ટરમાં કેટલાક લોકોને જૉબ પર રાખવામાં આવ્યા હતા. આ લોકો વૉઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકૉલ (VOIP) અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN)ના માધ્યમથી ઇન્ટર્નલ રેવન્યુ સર્વિસ (IRS)ના અધિકારી હોવાનું કહીને અમેરિકાના નાગરિકોને કૉલ કરતા હતા. ટૅક્સ ભરવાનો બાકી છે એટલે જો ટૅક્સ તાત્કાલિક નહીં ભરવામાં આવે તો મોટો દંડ કરવામાં આવશે અથવા તો પોલીસ ઘરે આવીને ધરપકડ કરશે એવી ધમકી આપતા હતા. આ સાંભળીને અમેરિકાના નાગરિકો ગભરાઈ જતા હતા અને હજારો અમેરિકન ડૉલર ચૂકવવા તૈયાર થઈ જતા હતા. આરોપીઓ આ રકમ પ્રીપેડ ગિફ્ટ કાર્ડ્સ, ક્રિપ્ટોકરન્સી કે બીજા ડિજિટલ માધ્યમથી મેળવી લેતા હતા. ત્રણેય કૉલ સેન્ટરમાં મળીને દરરોજ એકથી દોઢ કરોડ રૂપિયાની ચીટિંગ કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.