રાજ ઠાકરેએ ગંગા નદીની સફાઈ અને કુંભમેળાની ફરી ટીકા કરી હતી. પહેલી વખત રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર કોઈ ટીકાટિપ્પણ નહોતી કરી.
તસવીર સૌજન્ય : રાણે આશિષ
ઔરંગઝેબની કબરને સજાવવાને બદલે ત્યાં મરાઠા સામે લડવા આવેલા ઔરંગઝેબને અહીં જ દાટવામાં આવ્યો છે એવું લખવાનું MNSના ચીફે કહ્યુંઃ મહાકુંભના વિવાદ વિશે પોતાનું સ્ટૅન્ડ ફરી એક વાર ક્લિયર કર્યુંઃ જોકે આ બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરે કે તેમની પાર્ટી વિશે એક હરફ પણ તેમણે ઉચ્ચાર્યો ન હોવાથી બધાને લાગી રહી છે નવાઈ
હિન્દુ નવા વર્ષ ગુઢીપાડવાએ ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેની સભાનું દાદરમાં આવેલા શિવાજી પાર્ક મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું. રાજ ઠાકરેએ આ સભામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નિશાના પર લીધા હતા એટલું જ નહીં, બધા મરાઠી એક થાઓ અને કોઈ મરાઠી માણસ કે મરાઠી ભાષાનું અપમાન કરે તો તેને એક મરાઠી તરીકે જવાબ આપો. કોઈ હિન્દુને નિશાન બનાવશે તો એક હિન્દુ તરીકે એક થઈને સામનો કરો એવા શપથ લેવાનું કહ્યું. રાજ ઠાકરેએ ગંગા નદીની સફાઈ અને કુંભમેળાની ફરી ટીકા કરી હતી. પહેલી વખત રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર કોઈ ટીકાટિપ્પણ નહોતી કરી.
ADVERTISEMENT
રાજ ઠાકરેએ ગુઢીપાડવાની જાહેર સભાની શરૂઆતમાં કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસથી કેટલીક ઘટના બની છે એના પર હું બોલવા માગું છું. પહેલો વિષય કુંભમેળો. બાળા નાંદગાવકરે ગંગાનું પાણી લાવ્યા હતા એ હું પીવાનો નથી એમ કહ્યું હતું. નવા ઊગી નીકળેલા હિન્દુત્વવાદીઓને લાગ્યું કે મેં કુંભમેળાનું અપમાન કર્યું. આપણે જેને માતા માનીએ છીએ એ નદીઓની હાલત આપણા નેતાઓ અવગણી રહ્યા છે એના પર મેં ગંગાનું પાણી ન પીવાનું કહ્યું હતું. રાજીવ ગાંધીએ ગંગા નદી સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું. ત્યાર બાદ ૨૦૧૪માં મોદીજી વડા પ્રધાન થયા અને તેમણે પણ ગંગા નદી સાફ કરવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો. કુંભમેળા બાદ જેમણે ગંગામાં જઈને સ્નાન કર્યું હતું એમાંથી અનેક લોકો બીમાર પડ્યા. પ્રશ્ન કુંભમેળાના અપમાનનો નહીં, ગંગા નદીની સફાઈનો છે. ગંગાની સફાઈ પાછળ ૩૩,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ગંગાકિનારે લોકોના મૃતદેહને અગ્નિ આપ્યા બાદ નદીમાં ધકેલી દેવામાં આવે છે. આ કયો ધર્મ? આપણી કુદરતી બાબતોમાં જો ધર્મ આડે આવતો હોય તો એનો શું ઉપયોગ? હજાર વર્ષ પહેલાંની વાત જુદી હતી. અત્યારે ત્યારની વ્યવસ્થા કેવી રીતે ચાલે? આપણે કુદરત માટે કોઈ સુધારો કરીશું કે નહીં? આપણી નદી સાફ રહેવી જોઈએ. ધર્મના નામે આપણે નદીને બરબાદ કરી રહ્યા છીએ. દરેકને ધર્મ પ્રિય હોય છે, ધર્મમાં સુધારો થવો જોઈએ. મહારાષ્ટ્રમાં પણ આ જ પરિસ્થિતિ છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ હાલત છે. સાવિત્રી નદીમાં કેમિકલ ઠાલવવામાં આવે છે. દેશભરમાં ૩૧૧ નદી પ્રદૂષિત છે, એમાંથી પંચાવન નદી મહારાષ્ટ્રમાં છે. મુંબઈમાં પાંચ નદી હતી એમાંથી ચાર નદી ગટરનાં પાણી અને ઝૂંપડપટ્ટીને લીધે સુકાઈ ગઈ છે. મીઠી નદી પણ ખતમ થવામાં છે.’
MNSના વડાએ કહ્યું હતું કે ‘આપણે ઔરંગઝેબની કબર તોડવી જોઈએ કે નહીં એની ચર્ચામાં પડ્યા છીએ. હવે અચાનક ઔરંગઝેબ કેમ યાદ આવ્યો? ફિલ્મ જોયા બાદ હિન્દુત્વ યાદ આવ્યું? ફિલ્મ જોયા બાદ તમને છત્રપતિ સંભાજી મહારાજનું શૌર્ય યાદ આવ્યું? વિધાનસભામાં ઇતિહાસ પર કોઈ કંઈ પણ બોલે છે. તેમને ઔરંગઝેબના પ્રકરણની ખબર છે? ઔરંગઝેબની કબરને સજાવવામાં આવી છે, એને દૂર કરીને અહીં લખવું જોઈએ ‘મરાઠા સામે લડવા આવેલા ઔરંગઝેબને અહીં જ દાટવામાં આવ્યો છે.’ મહારાષ્ટ્રમાં ઍરપોર્ટ, બંદર બધું અદાણીને આપવાનું ચાલી રહ્યું છે. અદાણી હોશિયાર છે અને આપણે તેની સામે બુદ્ધુ ઠર્યા.’
રાજ ઠાકરેના ભાષણના મહત્ત્વના મુદ્દા...
* લાડકી બહિણ યોજનામાં સરકારની ઉપર ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો બોજો છે એટલે આ યોજના આગળ નહીં ચાલે.
* ટોરેસ નામની કંપની રૂપિયા ડબલ કરવાનું કહે છે અને આપણે એમાં રોકાણ કરીને લૂંટાયા.
* મરાઠી મણૂસ અત્યારે અસુરક્ષિત છે. બહારના લોકો અમારા રાજ્યમાં આવીને અમને કહેશે કે મરાઠી નહીં બોલીએ. આવા લોકોના કાનની નીચે વગાડવામાં આવશે.
* આવતી કાલે બૅન્કમાં જઈને જુઓ કે મરાઠી ભાષામાં કારભાર થાય કે નહીં? ન થતો હોય તો કારભાર કરાવડાવો.
* અનેક યુવક-યુવતીઓને નોકરી નથી એના પર કોઈ ધ્યાન નથી આપતું. રાજ્યમાં આટલા મરાઠી મુખ્ય પ્રધાન થયા પણ મરાઠા સમાજની અવસ્થામાં કોઈ સુધારો નથી થયો.
* ખેડૂતોને લોન માફ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. કેમ લોનમાફી ન અપાઈ? અજિત પવારે ૩૦ માર્ચ સુધીમાં ખેડૂતોને રૂપિયા ભરવાનું કહ્યું હતું.
અમે રાજ ઠાકરેને અયોધ્યામાં રામલલાનાં દર્શન નહીં કરવા દઈએ - બ્રિજભૂષણ સિંહ
ઉત્તર પ્રદેશના કેસરગંજના ભૂતપૂર્વ સંસદસભ્ય અને પહેલવાન બ્રિજભૂષણ સિંહે ગઈ કાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘મને યાદ છે કે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે જ્યારે-જ્યારે ઉત્તર ભારતીયોની મારપીટ કરતા હતા ત્યારે-ત્યારે કૉન્ગ્રેસ પાર્ટી રાજ ઠાકરેને સુરક્ષા આપતી હતી. રાજ ઠાકરે ઉત્તર ભારતીયોને કીડા-મંકોડા માને છે અને મારપીટ કરે છે. ઉત્તર ભારતીયોને કાયમ નિશાન બનાવતા રાજ ઠાકરે જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અમે તેમને અયોધ્યામાં રામ મંદિરનાં દર્શન કરવા નહીં દઈએ.’ ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં રાજ ઠાકરેએ અયોધ્યા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારે પણ બ્રિજભૂષણ સિંહે તેમનો વિરોધ કર્યો હતો. આથી રાજ ઠાકરેએ અયોધ્યાની મુલાકાત માંડી વાળી હતી. બ્રિજભૂષણે ફરી દર્શન ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે રાજ ઠાકરે શું કહે છે એના પર સૌની નજર રહેશે.

