ભારતની વાણી કપૂર જેની હિરોઇન છે એ ફિલ્મ ‘અબીર ગુલાલ’ ૯ મેએ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ચેતવણી
વાણી કપૂર અને ફવાદ ખાનની નવી ફિલ્મ ‘અબીર ગુલાલ’નું પોસ્ટર
પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની નવી ફિલ્મ ‘અબીર ગુલાલ’નું ગઈ કાલે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફવાદ ખાનની ફિલ્મ આઠ વર્ષ પછી ભારતમાં રિલીઝ થઈ રહી છે. આ બાબતની જાણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને થતાં એના નેતાએ મહારાષ્ટ્રમાં આ ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાની ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં તેની હિરોઇન વાણી કપૂર છે અને આ ફિલ્મ ૯ મેએ રિલીઝ થવાની છે.
MNSના પ્રવક્તા અમેય ખોપકરે કહ્યું હતું કે ‘અમે બહુ સ્પષ્ટ રીતે કહીએ છીએ કે અમે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા નહીં દઈએ, કારણ કે એમાં પાકિસ્તાની ઍક્ટર છે. અમે કોઈ પણ રીતે આ ફિલ્મ મહારાષ્ટ્રમાં રિલીઝ થવા નહીં દઈએ. અમને ગઈ કાલે જ આ ફિલ્મ રિલીઝ થવાની છે એવી માહિતી મળતાં અમે ફિલ્મને લઈને વધુ વિગતો મેળવી રહ્યા છીએ અને એ પછી એના વિશે પૂરું સ્ટેટમેન્ટ બહાર પાડીશું.’
ADVERTISEMENT
શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ આ બાબતે કહ્યું હતું કે ‘ભારતમાં પાકિસ્તાન પ્રત્યે બહુ નફરત છે. હું તો પાકિસ્તાનીઓને સલાહ આપીશ કે હિન્દુસ્તાનમાં માર્કેટ એક્સ્પ્લોર કરવાને બદલે સારું રહેશે કે તેઓ પોતાના જ દેશમાં કામ કરે.’

