મુંબઈમાં ૧૦,૦૦૦ વૉલન્ટિયર્સ મૉક ડ્રિલમાં ભાગ લેશે
ફાઇલ તસવીર
દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ઑલરેડી આતંકવાદીઓના હિટ લિસ્ટ પર હતું એટલે મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં મહત્ત્વનાં શહેરો અને સંવેદનશીલ જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ૧૦ જિલ્લામાં કુલ ૧૬ સ્થળોએ મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે જેથી યુદ્ધ થાય તો લોકો પોતાનો જીવ બચાવવા શું કરવું એની ટેક્નિક જાણી શકે અને એ માટેની તૈયારી કરી શકે. આ મૉક ડ્રિલને કારણે લોકો અને ઑથોરિટી બન્નેને તેમણે શું રોલ નિભાવવાનો છે એની જાણ થઈ શકશે. વળી એને કારણે જો એમાં કોઈ ફેરફાર કે બદલાવ કરવા જેવું લાગશે તો એ પણ કરી શકાશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપિલ કૉર્પોરેશન (BMC)ની હૉસ્પિટલોમાં પણ ડ્રિલ યોજાવાની હોવાથી તેમણે પણ આ માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.
હવાઈ હુમલો થાય તો શું કરવું? લાઇટ જાય અને બ્લૅકઆઉટ થાય તો શું કરવું? એવી પરિસ્થિતિમાં પોતાનો અને અન્ય લોકોનો બચાવ કેવી રીતે કરવો? આ બાબતે લોકોને માહિતી આપવી જરૂરી છે અને એથી જ આ મૉક ડ્રિલનું આયોજન કરવામાં આ આવ્યું છે.
ADVERTISEMENT
આ મૉક ડ્રિલ કોણ કન્ડક્ટ કરશે? કોણ-કોણ ભાગ લેશે?
આ મૉક ડ્રિલ ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી સાથે સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ કન્ડક્ટ કરશે. એમાં સિવિલ ડિફેન્સના વૉર્ડન તો હશે જ; પણ તેમની સાથે આર્મી, ઍરફૉર્સ, પોલીસ, ફાયર-બ્રિગેડ, નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (NDRF), રેવન્યુ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના ઑફિસરો, BMC, જિલ્લા પ્રશાસન અને તેમને મદદ કરવા હોમગાર્ડ્સ, નૅશનલ કૅડેટ કૉર્ઝ (NCC), નૅશનલ સર્વિસ સ્કીમ (NSS)ના વૉલન્ટિયર્સ, નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના સભ્યો અને સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓ જોડાશે.

