મુલુંડમાં ચોરીનું સત્ર ચાલુ જ છે, છેલ્લા ૧૫ દિવસમાં ચાર ખાલી ઘરમાંથી લાખો રૂપિયાની માલમતા ચોરાઈ
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટમાં પાંચ રસ્તા નજીક આવેલા ન્યુ લાલન બિલ્ડિંગમાં ૩૮ વર્ષના અક્ષય સાવલાના ખાલી ઘરને ૧૫ ઑગસ્ટે ટાર્ગેટ કરીને તસ્કરો ૪૮,૦૦૦ રૂપિયાં રોકડા અને દાગીના મળીને કુલ ૮ લાખ રૂપિયાની માલમતા તફડાવી ગયા હોવાની ફરિયાદ ગઈ કાલે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. અક્ષયનાં માતા-પિતાની યાદગીરીરૂપે ઘરમાં સોફાની અંદર છુપાવી રાખેલાં સોનાનાં ઘરેણાં તફડાવી જનાર ચોરને પકડવા માટે મુલુંડ પોલીસે બે ટીમ બનાવી છે. જોકે મુલુંડમાં છેલ્લા ૧૫ દિવસમાં ૪ ખાલી ઘરોને ટાર્ગેટ કરીને લાખો રૂપિયાની માલમતાની ચોરી થઈ હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. મોટા ભાગની ચોરી મુલુંડ પોલીસ-સ્ટેશનના ૫૦૦ મીટરના અંતરમાં થઈ હોવાથી પોલીસ-પૅટ્રોલિંગ પર સવાલ થયા છે.
મુલુંડના પોલીસ-ઇન્સ્પેક્ટર વામન મ્હસ્કેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યુ લાલન બિલ્ડિંગમાં રહેતા ગાર્મેન્ટના વેપારી અક્ષયની માતાનું ચાર વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું અને તેમના પિતા ચાર મહિના પહેલાં મૃત્યુ પામ્યા હતા. અક્ષય પરણેલો ન હોવાથી ઘર નજીક રહેતા મામાના ઘરે જમવા જઈને ત્યાં જ રાતે સૂએ છે. સવારે પોતાના ઘરે ફ્રેશ થવા માટે આવીને ત્યાંથી પોતાની દુકાને જતો હોવાનો તેમનો નિત્યક્રમ છે. પિતાના મૃત્યુ બાદ માતા-પિતાના તમામ જમા રૂપિયા સાથે તેમના દાગીના તેમણે ઘરના સોફામાં સંતાડી રાખ્યાં હતાં.’
ADVERTISEMENT
આ ઘટનામાં સોફાની અંદર રાખેલા દાગીના અને રોકડ ચોરાયાં છે એટલે ચોરી કરવા આવેલા ચોરને તમામ ચીજોની માહિતી હતી એ વાત નક્કી છે. એવું પોલીસને લાગે છે.

