Mumbai: ભાયખલામાં મદનપુરા પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ તરીકે ઓળખાતી મ્હાડાની બિલ્ડિંગ ધરાશાયી; આ ઇમારત ખૂબ જ જર્જરિત હોવાથી ત્યાં કોઈ રહેતું નહોતું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)માં વધુ એક મકાન ધરાશયી થયું છે. મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade - MFB)ના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે ભાયખલા (Byculla) પશ્ચિમમાં એક ખાલી મ્હાડા (MHADA) ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ, જોકે આ દુર્ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી.
મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)ના જણાવ્યા અનુસાર, ભાયખલા પશ્ચિમમાં આવેલી મ્હાડાની ઇમારત ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ખાલી હતી. આ ઘટના ૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૨:૦૨ વાગ્યે નોંધાઈ હતી. મદનપુરા પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ (Madanpura Post Office Building) તરીકે ઓળખાતી આ ઇમારત - જે ગ્રાઉન્ડ-પ્લસ-થ્રી (G+3) બાંધકામ છે, તેને C1 શ્રેણીની ઇમારત તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. આ ઇમારતને પહેલાથી જ ખાલી કરાવી દેવામાં આવી હતી. કારણકે પાલિકાએ તે ઇમારતને ખૂબ જ જર્જરિત અને રહેવા માટે જોખમી ગણાવી હતી.
ADVERTISEMENT
શરૂઆતમાં, પહેલા અને ત્રીજા માળનો પાછળનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે, ૪ ઓગસ્ટના રોજ બપોરે ૧૧.૩૬ વાગ્યા સુધીમાં, આખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ છે. અધિકારીઓએ આ બાબતની પુષ્ટિ આપી હતી.
દુર્ઘટનાની માહિતી મળતા જ, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ (Mumbai Police), મ્હાડા અને બીએમસી વોર્ડ સ્ટાફ (BMC ward staff) સહિતની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મ્હાડાના કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.
અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.
આ દુર્ઘટનામાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
થાણેમાં દિવાલ ધરાશાયી થતાં ચાર ઘરોને જોખમી જાહેર કરાયા
થાણે (Thane) પશ્ચિમમાં આવેલ વાગલે એસ્ટેટ (Wagle Estate)માં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી પરંતુ એક ઘરની દિવાલ ધરાશાયી થયા બાદ બાજુના ચાર ઘર ખાલી કરાવવામાં આવ્યા હોવાની માહિતી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation)એ આપી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
થાણે શહેરમાં ૨૮ જુલાઈના રોજ વહેલી સવારે એક ઘરની દિવાલ ધરાશાયી થયા બાદ, પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર ઘરોને જોખમી જાહેર કરવામાં આવ્યા હતા અને સાવચેતીના પગલા તરીકે ખાલી કરાવવામાં આવ્યા હતા.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન – ટીએમસી (TMC) ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (Disaster Management Cell)ના વડા યાસીન તડવીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સાવચેતીના પગલા તરીકે ચાર ઘરોને જોખમી જાહેર કરવામાં આવ્યા હતા અને ખાલી કરાવવામાં આવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે વાગલે વોર્ડ કમિટી (Wagle Ward Committee) અને સિવિલ કન્સ્ટ્રક્શન વિભાગ (Civil Construction Department) દ્વારા વધુ માળખાકીય કાર્યવાહી અને કાયમી ઉપચારાત્મક પગલાં લેવામાં આવશે.

