ચેસ બૉક્સિંગ એશિયા કપ 2025માં સિલ્વર મેડલ અને ઇન્ડિયન ઓપન ચેસ બૉક્સિંગ 2025માં ગોલ્ડ મેડલ જીતી જાહ્નવી ચૌહાણ
જાહ્નવી ચૌહાણ
તાજેતરમાં જ કલકત્તામાં યોજાયેલી ચેસ બૉક્સિંગ એશિયા કપ 2025 ચૅમ્પિયનશિપમાં મુંબઈની જાહ્નવી ચૌહાણ સિલ્વર મેડલ જીતી છે. એની સાથે જ ઇન્ડિયન ઓપન ચેસ બૉક્સિંગ 2025 ચૅમ્પિયનશિપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહ્નવીએ ગોલ્ડ મેડલ જીત્યો છે.
ચેસ બૉક્સિંગ ચેસ અને બૉક્સિંગ બન્ને રમતનું કૉમ્બિનેશન છે. બન્ને રમતો રાઉન્ડ પ્રમાણે રમવામાં આવે છે. ૩ મિનિટના કુલ પાંચમાંથી ૩ રાઉન્ડ ચેસ અને બે રાઉન્ડ બૉક્સિંગ રમવાનું રહે છે. પાંચ રાઉન્ડના કુલ પૉઇન્ટ્સ પ્રમાણે જો વિનર નક્કી ન થાય કે ડ્રૉ થાય તો છેલ્લો રાઉન્ડ બૉક્સિંગનો રમાય છે જે મુજબ વિનર નક્કી કરવામાં આવે છે. જો બૉક્સિંગના નિયમ મુજબ એક ખેલાડી બીજાને હરાવે કે નૉકઆઉટ કરે અથવા ચેસના નિયમ મુજબ કોઈ ચેકમેટ કરે તો તે વિનર ગણાય છે. આ હાઇબ્રિડ ગેમ ચેસ માટે શાંત મગજ અને બૉક્સિંગ માટે સ્ફૂર્તિલું અને ચુસ્ત શરીર બન્ને કૌશલ એક જ સમયે માગી લે છે.
ADVERTISEMENT
મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં રહેતી જાહ્નવીએ ૭૫ કિલોની કૅટેગરીમાં ફાઇનલ મૅચના બીજા રાઉન્ડમાં કલકત્તાની હરીફને હરાવીને ઇન્ડિયન ઓપન ચેસ બૉક્સિંગ સ્પર્ધા જીતી હતી.
જાહ્નવી અત્યારે કાંદિવલીની KES શ્રોફ કૉલેજમાંથી સાઇકોલૉજી વિષય સાથે બૅચલર ઑફ આર્ટ્સ (BA)નો અભ્યાસ કરી રહી છે. પોતાની ગેમની સ્ટ્રૅટેજી જણાવતાં જાહ્નવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પહેલેથી જ બૉક્સિંગ કરતી હતી. સ્ટેટ લેવલ પર બૉક્સિંગમાં ગોલ્ડ પણ જીતી છું અને એ અનુભવ મને ચેસ બૉક્સિંગમાં પણ કામ લાગે છે. ચેસ બૉક્સિંગમાં મારું ફોકસ બૉક્સિંગની ગેમમાં વધારે હોય છે.’
ચેસ બૉક્સિંગ જેવી માનસિક અને શારીરિક ફિટનેસ માગી લેતી સ્પોર્ટ્સ પસંદ કરવા બાબતે તેના પપ્પા જગદીશ ચૌહાણે કહ્યું હતું કે ‘હું પહેલાં બૉક્સિંગ રમતો હતો અને મોટા ભાગની બૉક્સિંગ ચૅમ્પિયનશિપ ટીવી પર જોતો હોઉં ત્યારે જાહ્નવી પણ મારી સાથે જોતી. ત્યારથી તેને બૉક્સિંગમાં રસ પડવા લાગ્યો અને તે બૉક્સિંગ શીખી. ૨૦૧૭થી તેણે પ્રોફેશનલી ચેસ બૉક્સિંગ રમવાનું શરૂ કર્યું.’
જાહ્નવી સાત વાર નૅશનલ ચૅમ્પિયન અને એક વાર વર્લ્ડ ચૅમ્પિયન રહી ચૂકી છે
ચેસ બૉક્સિંગની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં જાહ્નવી ચૌહાણે એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. તે કુલ ૭ વાર નૅશનલ ચૅમ્પિયન રહી છે. એશિયા કપમાં તે બે ગોલ્ડ અને એક સિલ્વર તથા ઇન્ડિયન ઓપન ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ અને એક બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે.
- શ્રુતિ ગોર

