લોકલ ટ્રેનમાં બૉમ્બ-ધડાકા થશે એવી ખોટી ધમકી આપી, પોલીસે કાલિનાથી ધરપકડ કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કોલાબાના પોલીસ કન્ટ્રોલ રૂમમાં લોકલ ટ્રેનમાં બૉમ્બધડાકા કરવાની ખોટી ધમકી આપનાર ૪૦ વર્ષના સૂરજ જાધવની વાકોલા પોલીસે સાંતાક્રુઝના કાલિનાથી ધરપકડ કરી હતી. ૧૪ ઑગસ્ટે સાંજે ધમકી મળ્યા બાદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP), રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સાથે સિટી પોલીસે મુંબઈનાં મહત્ત્વનાં રેલવે-સ્ટેશનો અને ટ્રેનોમાં મોડી રાત સુધી તપાસ કરી હતી, પણ કોઈ વિસ્ફોટક વસ્તુ મળી નહોતી. અંતે વધુ તપાસ હાથ ધરીને ખોટી ધમકી આપનાર સૂરજની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મેળવતાં તેણે આવું કૃત્ય દારૂના નશામાં કર્યું હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં, તેની સામે આ પહેલાં પણ આવી ધમકી આપવા બદલ બે કેસ નોંધાયેલા છે.
વાકોલાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રકાશ ખાંડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે નંબર પરથી આ કૉલ આવ્યો હતો એને ટ્રેસ કર્યા પછી જાણવા મળ્યું હતું કે એ કૉલ કાલિનાથી આવ્યો હતો. એ પછી અમે સૂરજને શોધીને તેની ધરપકડ કરી હતી. આરોપી કાલિનાના કોલાવરી ગામમાં રહે છે. તે ડ્રગ્સનો વ્યસની અને વિકૃત છે. તેણે દારૂ અને ડ્રગ્સના નશામાં માત્ર મજાક કરવા ખાતર આવું કૃત્ય કર્યું હોવાનું કબૂલ્યું હતું. તેણે અગાઉ પણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવા ફોનકૉલ કર્યા હતા. આ સંદર્ભે ૨૦૨૨માં વાકોલા અને BKC પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ બે કેસ નોંધાયેલા છે. વધુ પૂછપરછ માટે તેને રેલવે સ્પેશ્યલ ઍક્શન ફોર્સને સોંપી દેવામાં આવ્યો છે.’

