Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૬૦+ ઘરફોડી બદલ વૉન્ટેડ ચોર પકડાઈ ગયો

૬૦+ ઘરફોડી બદલ વૉન્ટેડ ચોર પકડાઈ ગયો

Published : 14 July, 2025 10:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલાડ પોલીસે સિલવાસામાંથી ધરપકડ કરી આશિષ સાખરકરની

મલાડ પોલીસે ધરપકડ કરેલો રીઢો ગુનેગાર આશિષ સાખરકર.

મલાડ પોલીસે ધરપકડ કરેલો રીઢો ગુનેગાર આશિષ સાખરકર.


મુંબઈ તેમ જ આસપાસના વિસ્તારોમાંથી ૬૦થી વધારે ખાલી ઘરોમાંથી ચોરી કરીને નાસતા ફરતા ૩૭ વર્ષના આશિષ સાખરકરની મલાડ પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. મલાડ-વેસ્ટની મામલતદારવાડીમાં આવેલા રાજદીપ બિલ્ડિંગમાં પહેલા માળે રહેતો ગુજરાતી પરિવાર ૯ ફેબ્રુઆરીએ માત્ર અડધો કલાક બહાર જતાં સતત વૉચ રાખીને આશિષે ખાલી ઘરમાંથી ૩,૨૯,૫૦૦ રૂપિયાની માલમતા ચોરી કરી હતી. એની તપાસ કરતાં આશિષનો ચોરીમાં સહભાગ હોવાનું સામે આવ્યું હતું. અંતે પોલીસે ટે​ક્નિકલ માહિતીઓ અને ફિન્ગરપ્રિન્ટના માધ્યમથી તેને શોધી કાઢ્યો હતો. પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું હતું કે આશિષ માત્ર મોજમસ્તી કરવા માટે ચોરીને અંજામ આપતો હતો.


મલાડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજયકુમાર પન્હાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફેબ્રુઆરી મહિનામાં જ્યારે ચોરી થઈ હતી એ સમયે ચોરે માત્ર ૩૦ મિનિટમાં ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. એ જોતાં અમને ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા ગઈ હતી. ચોરીમાં કોનો સહભાગ છે એ જાણવા માટે અમે ફિન્ગરપ્રિન્ટ લીધી ત્યારે આ ચોરીમાં વૉન્ટેડ આરોપી આશિષનો સહભાગ હોવાની ચોક્કસ માહિતી અમને મળી હતી. છેલ્લા પાંચ મહિનાથી ટેક્નિકલ અને ગુપ્ત બાતમીદારો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. તપાસ દરમ્યાન આરોપી સિલવાસામાં છે એવું જાણવા મળ્યું હતું એટલે અમારી ટીમે સિલવાસા જઈને છટકું ગોઠવ્યું હતું. જોકે આરોપી ચાલાક હોવાથી અમારા અધિકારીઓને ચોથે દિવસે તેને પકડવામાં સફળતા મળી હતી. પૂછપરછ દરમ્યાન ઉપરોક્ત ગુનામાં તેની સંડોવણીની કબૂલાત તેણે કરી હતી. હાલમાં તેની પાસેથી અમને કોઈ રિકવરી મળી નથી. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.’



કઈ-કઈ જગ્યાએ ગુના નોંધાયા છે આરોપી સામે?
આરોપી મોજમસ્તી માટે ચોરીઓ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશિષ સાખરકર પોલીસ-રેકૉર્ડમાં એક રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ વિલે પાર્લે, ગોરેગામ, બોરીવલી, વનરાઈ, જોગેશ્વરી, ડી. એન. નગર, ખાર, જુહુ, કાંદિવલી, ચારકોપ, સાંતાક્રુઝ, આંબોલી, વર્સોવા, ઓશિવરા, વસઈ-રેલવે, નાલાસોપારા, વાલિવ વગેરે પોલીસ-સ્ટેશનોમાં કુલ ૬૧ ગુના નોંધાયેલા હોવાની જાણ અમને થઈ છે. આરોપી ચોરીને અંજામ આપીને મોજમજા કરવા માટે નજીકના પર્યટનસ્થળો પર 
જઈને છુપાઈ જતો હોવાની માહિતી અમને મળી છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2025 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK