મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ડૉ. સુધાકર પઠારે હૈદરાબાદ મિડ કરીઅર ટ્રેઇનિંગ પ્રોગ્રામ માટે ગયા હતા
ડૉ. સુધાકર પઠારે
મુંબઈ પોલીસના પોર્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર ડૉ. સુધાકર પઠારેનું તેલંગણમાં રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ડૉ. સુધાકર પઠારે હૈદરાબાદ મિડ કરીઅર ટ્રેઇનિંગ પ્રોગ્રામ માટે ગયા હતા. ત્યાંથી તેઓ મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગનાં દર્શન કરવા તેમના એક સંબંધી સાથે શ્રીસેલમ ગયા હતા. પાછા વળતી વખતે તેમની કાર નગરકુર્નુલમાં એક બસ સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં તેઓ અને તેમના સંબંધી મૃત્યુ પામ્યા હતા.
સુધાકર પઠારેએ મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણેમાં DCP તરીકે ફરજ બજાવી હતી. તેઓ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) સહિત મહત્ત્વના કેસમાં કાર્યવાહી કરવા માટે જાણીતા હતા. એ સિવાય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે તેમણે અનેક અભિયાન હાથ ધર્યાં હતાં.

