Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે સોશ્યલ મીડિયા પર જોવા નહીં મળે ખાકી સ્વૅગ

હવે સોશ્યલ મીડિયા પર જોવા નહીં મળે ખાકી સ્વૅગ

Published : 23 February, 2026 06:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસને યુનિફૉર્મમાં રીલ્સ કે વ્લૉગ બનાવવાની અને પોસ્ટ કરવાની મનાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ પોલીસે ઑપરેશનલ બાબતો અને ગુપ્તતાને સુરક્ષિત રાખવાના હેતુથી એક મહત્ત્વપૂર્ણ પગલામાં એના લગભગ ૫૧,૦૦૦ કર્મચારીઓને યુનિફૉર્મમાં રીલ્સ, મિની વ્લૉગ્સ અથવા અન્ય કોઈ પણ સોશ્યલ મીડિયા વિડિયો બનાવવા અથવા પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્દેશ તાત્કાલિક અમલમાં આવ્યો છે.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (સ્પેશ્યલ બ્રાન્ચ) દત્તાત્રેય કાંબળેએ ૨૦ ફેબ્રુઆરીએ જાહેર કરેલો આ આદેશ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કહેવાતા ‘ખાકી સ્વૅગ’ વિડિયોની લોકપ્રિયતામાં સતત વધારો થયા પછી ઇશ્યુ કરવામાં આવ્યો છે. આ ક્લિપ્સમાં ઘણી વાર પોલીસો નૃત્ય કરતા, ફિટનેસ-રૂટીન દર્શાવતા, હળવી સામગ્રી શૅર કરતા અથવા ફરજના કલાકો દરમ્યાન પળો રેકૉર્ડ કરતા દર્શાવવામાં આવતા હતા.



જોકે વરિષ્ઠ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આવા વિડિયો ભલે આકસ્મિક રીતે બનાવવામાં આવે, પણ એનાથી અજાણતાં ગોપનીયતા અને ઑપરેશનલ સુરક્ષા સાથે ચેડાં થઈ શકે છે. સર્ક્યુલરમાં નોંધવામાં આવ્યું છે કે ઘણી પોસ્ટ્સ અજાણતાં ઑફિસ-પરિસર, સરકારી વાહનો, સત્તાવાર સાધનો અથવા સંવેદનશીલ ફરજ સંબંધિત માહિતી પ્રદર્શિત કરે છે. અધિકારીઓ માને છે કે આનાથી ગુપ્ત વિગતો જાહેર થઈ શકે છે અને સુરક્ષા-જોખમો વધી શકે છે.


સર્ક્યુલરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ‘એવું જોવા મળ્યું છે કે મુંબઈ પોલીસ દળના કેટલાક અધિકારીઓ/કર્મચારીઓ યુનિફૉર્મમાં રહીને સોશ્યલ મીડિયા પર રીલ્સ, મિની વ્લૉગ્સ અથવા અન્ય વિડિયો બનાવી રહ્યા છે અને પોસ્ટ કરી રહ્યા છે. ભવિષ્યમાં આવા કોઈ વિડિયો અપલોડ ન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.’

પોલીસ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે નવા નિર્દેશનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓ સામે શિસ્તભંગનાં કડક પગલાં લેવામાં આવશે. વધુમાં મુંબઈ પોલીસની સોશ્યલ મીડિયા લૅબને આદેશના કોઈ પણ ઉલ્લંઘનને ઓળખવા અને નોંધણી કરવા માટે ડિજિટલ પ્લૅટફૉર્મ પર સક્રિયપણે દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. જોકે જવાબદાર સોશ્યલ મીડિયાના ઉપયોગ અંગે ગાઇડલાઇન્સ અગાઉ ઇશ્યુ કરવામાં આવી હતી. અધિકારીઓ સૂચવે છે કે નવીનતમ પગલું વધુ કડક છે, કારણ કે એ યુનિફૉર્મમાં વિડિયો બનાવવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકે છે. આ નિર્ણયથી ફોર્સમાં ‘ખાકી સ્વેગ’ વલણનો અંત આવશે એવી અપેક્ષા છે.


પર્સનલ સોશ્યલ મીડિયા પર બંધી નથી 

પોલીસ-કર્મચારીઓ વ્યક્તિગત સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ જાળવવાનું ચાલુ રાખી શકે છે. જોકે તેઓ સાવધાની રાખે અને તેમનો સત્તાવાર યુનિફૉર્મ પહેરવાનું અથવા ગોપનીયતા, શિસ્ત અથવા સુરક્ષાનાં ધોરણોને જોખમમાં મૂકી શકે એવી સામગ્રી શૅર કરવાનું ટાળે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK