સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અત્યારે તામિલનાડુમાં હોવાથી પોલીસ સમક્ષ સ્ટેટમેન્ટ નોંધાવવા હાજર નથી રહ્યો
કુણાલ કામરા
બે સમન્સ મોકલાવ્યા બાદ પણ પોલીસ સમક્ષ હાજર ન રહેલા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાના દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં કટારિયા કૉલોનીમાં આવેલા ઘરે ગઈ કાલે મુંબઈ પોલીસની ટીમ પહોંચી હતી. પોલીસે આપેલા બીજા સમન્સ મુજબ તેણે ગઈ કાલે હાજર થવાનું હતું, પણ કુણાલ પોલીસ સમક્ષ હાજર ન રહેતાં ત્રીજું સમન્સ આપવા મુંબઈ પોલીસની ટીમ ગઈ હોવાનું કહેવાય છે.
કુણાલ કામરાએ યુટ્યુબ પર અપલૉડ કરેલા એક વિડિયોમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મજાક કરી હોવાથી તેની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો છે. ખાર પોલીસ સિવાય બીજી ત્રણ જગ્યાએ પણ FIR રજિસ્ટર થયો હોવાથી એને ગયા અઠવાડિયે ખાર પોલીસ-સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કુણાલ ૨૦૨૧થી તામિલનાડુનો રહેવાસી બની ગયો હોવાથી ગયા અઠવાડિયે તેણે મદ્રાસ હાઈ કોર્ટમાં વચગાળાના આગોતરા જામીન માટે અરજી કરી હતી જે કોર્ટે મંજૂર કર્યા હતા. જોકે આના સંદર્ભમાં કુણાલ કામરાએ જે જગ્યાએ લાઇવ શો કર્યો હતો ખારના એ હૅબિટૅટ સ્ટુડિયોમાં તોડફોડ કરવા ગયેલા શિંદેસેનાના નેતા રાહુલ કનાલે કહ્યું હતું કે ‘કોર્ટે તેને ૭ એપ્રિલ સુધી જ રાહત આપી છે. તેણે અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ. જ્યારે પણ તે મુંબઈ આવશે ત્યારે તેનું શિવસેના સ્ટાઇલમાં સ્વાગત કરવામાં આવશે.’
બીજી બાજુ, કુણાલ કામરાએ પણ કહ્યું છે કે તે કોઈ પણ સંજોગોમાં માફી નથી માગવાનો.
પોલીસની વિઝિટને કુણાલે ગણાવી સમયનો વેડફાટ
મુંબઈ પોલીસ દાદરમાં આવેલા કુણાલ કામરાના ઘરે ગઈ હોવાથી એના સંદર્ભમાં તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે કહ્યું હતું કે જ્યાં હું છેલ્લા દસ વર્ષથી રહેતો નથી એ ઍડ્રેસ પર જવું એ સમયનો વેડફાટ અને જાહેર સંસાધનોનો દુરુપયોગ છે.

